મહારાષ્ટ્ર સરકારને એફિડેવિટ નોંધાવવાનો આદેશ

ગણપતિ વિસર્જન સમયે ડીજે વગાડવાની પરવાનગી વડી અદાલતે નકારી
 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : ગણેશોત્સવ અને નવરાત્રિના તહેવારમાં ઘોંઘાટ અને ધ્વનિપ્રદૂષણ અંગે અમે આંખો મીચી શકીએ નહીં એમ મુંબઈ વડી અદાલતે જણાવ્યું છે. ગણપતિની મૂર્તિના વિસર્જન સમયે ડીજે અને ડોલ્બી રાઉન્ડ સિસ્ટમના ઉપયોગ ઉપરની બંધી ઉઠાવી લેવાની વિનંતી કરતી `પાલા' સંગઠનની અરજી અંગે રાહત આપવાનો વડી અદાલતે ઇનકાર કર્યો હતો. તેના લીધે હવે પાંચ દિવસના ગણપતિની મૂર્તિની વિદાય સમયે ડીજે અને ડૉલ્બી રાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરી નહીં શકાય એ સ્પષ્ટ થયું છે.
ન્યાયાધીશો શંતનુ કેમકર અને સારંગ કોતવાલની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે અરજદાર લેખિત ખાતરી આપે છતાં વાસ્તવમાં રસ્તા ઉપર ડીજેના અવાજનું સ્તર કેટલું હોય છે. તેની અમને સારી પેઠે જાણ છે. તહેવારો એક પછી એક આવ્યા કરે છે એમ ખંડપીઠે ઉમેર્યું હતું.
વડી અદાલતે મહારાષ્ટ્ર સરકાર પાસે પણ જાણવા માગ્યું છે કે સાઉન્ડ સિસ્ટમના ઉપયોગ ઉપર સરેયામ બંધી લાદવાનું કેટલું યોગ્ય છે? અમુક મર્યાદાના સ્પીકર ઉપર બંધન શીથીલ કરવા અંગે મહારાષ્ટ્રની નીતિ અને વલણની માહિતી આપતું સોગંદનામું સાદર કરવામાં આવે તે માટે મહારાષ્ટ્ર સરકારે સમય માગ્યો છે. હવે આ પ્રકરણની સુનાવણી 19મી સપ્ટેમ્બરે થશે.
આજની સુનાવણી સમયે વડી અદાલત સમક્ષ આવાજ ફાઉન્ડેશન તરફથી પણ ધ્વનિપ્રદૂષણ અને શાંતિવિસ્તાર અંગે પોતાની બાજુ રજૂ કરવામાં આવી હતી.
પ્રોફેશનલ ઓડિયો ઍન્ડ લાઇટિંગ ઍસોસિયેશન - `પાલા' વતીથી ધારાશાત્રી સતિષ તળેકર મારફતે વડી અદાલતમાં અરજી નોંધાવવામાં આવી હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે આ અંગે કાયદો અસ્તિત્વમાં હોવા છતાં તેને યોગ્ય રીતે અમલમાં મૂકવામાં આવતો નથી. તેના કારણે લાખો રૂપિયાના ઇલેક્ટ્રોનિક ઉપકરણો વેચાતાં લઇને આ વ્યવસાયમાં ઝંપલાવનારાઓને આર્થિક નુકસાન થાય છે એમ જણાવવામાં આવ્યું હતું.
`તહેવારોમાં ડોલ્બી સાઉન્ડ સિસ્ટમ વાપરવાની પરવાનગી આપો'
મુંબઈ વડી અદાલતે ગણેશોત્સવ અને નવરાત્રીમાં ડી.જે. અને ડોલ્બી સિસ્ટમનો ઉપયોગ કરવાની મનાઈ ફરમાવી હોવા છતાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસના સતારાના સાંસદ ઉદયન રાજે ભોસલેએ આ ઉત્સવોમાં પુષ્કળ અવાજ કરતી આ સિસ્ટમનો ઉપયોગ કરવાની તરફેણ કરી છે. ભોસલેએ જણાવ્યું હતું કે ડોલ્બી સાઉન્ડ સિસ્ટમનો `ધ્વનિ અંગેની મર્યાદા'માં રહીને ઉપયોગ કરવાની છૂટ આપવી જોઈએ.
Published on: Sat, 15 Sep 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer