ટાવર વેગન ખડી પડતાં મધ્ય રેલવેની ટ્રેનો ખોટકાઈ : વાસીંદમાં પ્રવાસીઓએ આંદોલન કર્યું

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : મધ્ય રેલવેમાં 13 સપ્ટેમ્બર, ગુરુવારે રાત્રે 11.40થી શુક્રવારે વહેલી સવાર સુધી કસારા અને ઉંબરમાલી સ્ટેશનો વચ્ચે ઓવરહેડ વાયરની જાળવણી માટેના કામ દરમિયાન એક આઠ વ્હીલર ટાવર વેગન પાટા પરથી ખડી પડતાં આજે સવારે કલ્યાણ અને કસારા વચ્ચે પરાંની ટ્રેનોનો વ્યવહાર ખોરવાઈ ગયો હતો. ટ્રેનો કલ્યાણથી આસનગાંવ વચ્ચે જ દોડતી હતી. આમ છતાં સવારે ટ્રેનો બંધ થતા ઉશ્કેરાયેલા પ્રવાસીઓએ વાસીંદ ખાતે સવારે 6.05થી 7.55 વાગ્યા સુધી રેલ રોકો આંદોલન કરતાં પરાંની ટ્રેનો માત્ર ટિટવાલા સુધી જ દોડાવવી પડી હતી. સવારે ધસારાના સમયે ટ્રેનવ્યવહાર ખોરવાતા પ્રવાસીઓ હાલાકીમાં મુકાયા હતા.
મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુનીલ ઉદાસીએ આ માહિતી આપતા જણાવ્યું હતું કે ટાવર વેગન પાટા પરથી ખડી પડતાં તત્કાળ કલ્યાણ અને ઈગતપુરીથી રિલિફ ટ્રેનો મગાવાઈ હતી અને રાહતકાર્ય શરૂ થયું હતું. ટાવર વેગનને બપોરે 12.42 વાગ્યે પાછું પાટા પર ચડાવવામાં આવ્યું હતું અને અપ લાઈન પર ટ્રેનવ્યવહાર શરૂ થયો હતો.
આ ઘટનાને કારણે મુંબઈ-મનમાડ પંચવટી એક્સ્પ્રેસ, મનમાડ-એલટીટી-મનમાડ ગોદાવરી એક્સ્પ્રેસ, મનમાડ-મુંબઈ-મનમાડ રાજ્યરાણી એક્સ્પ્રેસ અને મુંબઈ ભુસાવળ પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી હતી, તો કેટલીક ટ્રેનોને ડાયવર્ટ કે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી હતી. બપોર પછી ટ્રેનવ્યવહાર રાબેતા મુજબનો થયો હતો, એમ ઉદાસીએ જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer