પાંચ વર્ષમાં લોકલ ટ્રેનનાં છાપરાં પર પ્રવાસ કરતા 143 યુવાનોનાં મૃત્યુ

મુંબઈ, તા. 14 : લોકલ ટ્રેનના છાપરા પર પ્રવાસ ન કરવા માટે રેલવે વિભાગ દ્વારા વારંવાર કરવામાં આવતી અપીલ તરફ દુર્લક્ષ કરવાને કારણે છેલ્લાં પાંચ વર્ષમાં 143 પ્રવાસીઓને જીવ ગુમાવવો પડયો છે. ઓવરહેડ વાયરનો જોરદાર શૉક લાગવાને કારણે હાર્બર રેલવેના સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશનથી પનવેલ સ્ટેશન દરમિયાન કુલ 36 પ્રવાસીઓનાં મૃત્યુ થયાંનું માહિતી અધિકારમાં જાણવા મળ્યું છે.
અનેક યુવાનો જીવ જોખમમાં મૂકીને લોકલ ટ્રેનના છાપરા પર પ્રવાસ કરતા હોય છે. ટ્રેન સ્ટેશનમાં પ્રવેશ્યા બાદ રેલવે સુરક્ષા દળ દ્વારા પગલાં લેવામાં આવે છે. આ કાર્યવાહી છતાં પરિસ્થિતિમાં ખાસ ફરક પડયો નથી. છેલ્લાં કેટલાંક વર્ષો સુધી ઓવરહેડ વાયરમાંથી 1,500 વૉટનો કરન્ટ પસાર થતો હતો. હવે 25,000 વૉટનો કરન્ટ પસાર થાય છે. તેથી આ પ્રવાસ ખૂબ જ જોખમી હોવાની જાહેરાત દરેક સ્ટેશને પણ થાય છે. 
2013થી 2018 સુધીમાં ઓવરહેડ વાયરનો શૉક લાગવાને કારણે 143 પ્રવાસીઓનાં મૃત્યુ થયાં છે અને 138 પ્રવાસી જખમી થયાંનું માહિતી અધિકારમાં સ્પષ્ટ થયું છે. સીએસએમટીથી કર્જત સ્ટેશન દરમિયાન 67 પ્રવાસીઓનાં મૃત્યુ અને બાવન પ્રવાસી જખમી થયાં હતાં. પશ્ચિમ રેલવેના ચર્ચગેટથી પાલઘર સ્ટેશન દરમિયાન કુલ 40 પ્રવાસીઓનાં મૃત્યુ અને 31 પ્રવાસી જખમી થયાં હતાં. ઓવરહેડ વાયરનો શૅક લાગવાથી મૃત્યુના સૌથી વધુ બનાવ ચેમ્બુર અને ટિળક નગર સ્ટેશન દરમિયાન થયા છે. ચેમ્બુર સ્ટેશને 11 અને ટિળક નગર સ્ટેશને પાંચ પ્રવાસીઓ આ રીતે મૃત્યુ પામ્યાં છે. માહિતી અધિકાર કાર્યકર શકીલ અહમદ શેખે આ માહિતી આપી છે. તેમણે આ સંદર્ભે રેલવે પ્રધાન પીયૂષ ગોયલ અને રેલવે બોર્ડના ચેરમેન અશ્વની લોહાણીને પત્ર લખીને હાર્બર લાઈન પર લોકલની ફેરી વધારવાની માગણી પણ કરી છે.
લોકલ ટ્રેનમાંથી પડીને મૃત્યુ પામનારાંની સંખ્યા પણ ઓછી નથી. 2017માં 3,014 પ્રવાસીઓ લોકલમાંથી પડીને મૃત્યુ પામ્યાં હતાં, જેમાં મધ્યરેલવેમાં 1,534 પશ્ચિમ રેલવેના 1,086 અને હાર્બર રેલવેના 394 પ્રવાસીઓનો સમાવેશ થાય છે. આ રીતે પડવાથી ઈજાગ્રસ્ત થનારા પ્રવાસીઓની કુલ સંખ્યા 3,345 હતી, જેમાં મધ્ય રેલવેના  1,435, પશ્ચિમ રેલવેના 1,540 અને હાર્બર રેલવેના 370 પ્રવાસીઓનો સમાવેશ થાય છે. લોકલ ટ્રેનમાંથી પડી જનારા ઈજાગ્રસ્ત અથવા મૃત પ્રવાસીઓને ઊંચકવા માટે ઉપનગરીય સ્ટેશન પર કોઈ વિશેષ કર્મચારી નિયુક્ત કરવામાં આવ્યા નથી. આવા અકસ્માતમાં સ્ટેશન માસ્ટર દ્વારા સ્થાનિક કૂલી અને સ્વયંસેવકોની મદદ લેવામાં આવે છે.
Published on: Sat, 15 Sep 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer