રાજદ્રોહના કેસમાં હાર્દિકને રાહત ચાર્જફ્રેમની પ્રક્રિયા ટળી, હવે 12 અૉક્ટોબરે સુનાવણી

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.14: અમદાવાદમાં રાજદ્રોહ કેસમાં ફસાયેલા હાર્દિક પટેલ સહિતના પાસના આગેવાનોને મોટી રાહત મળી છે. આજે અમદાવાદની સેશન્સ કોર્ટમાં ચાર્જફ્રેમની પ્રક્રિયા હાથ ધરાવવાની હતી. જોકે, કોર્ટમાં હાર્દિક પટેલ અને ચિરાગ પટેલ હાજર રહ્યા હતા, પરંતુ દિનેશ બાંભણિયા ગેરહાજર રહ્યા હતા. જેથી આજરોજ કોર્ટમાં ચાર્જફ્રેમની પ્રક્રિયા ટળી હતી અને હવે પછીની સુનાવણી આગામી 12 અૉક્ટોબરે હાથ ધરાશે. 
સેશન્સ કોર્ટમાં આજે સરકારી વકીલે રજૂઆત કરતા કહ્યું હતું કે, પાસના આગેવાનો કેસને ગંભીરતાથી લેતા નથી. દરેક મુદત પર કોઇને કોઇ ગેરહાજર રહે છે. જોકે, હાર્દિકના વકીલે તારીખ માગી હતી. કોર્ટમાં હાજર રહેલા હાર્દિકે સમગ્ર કેસ કોર્ટમાં હોવાથી કોઇપણ ટિપ્પણી આપવાનું ટાળ્યું હતું. 
અહીં નોંધવું ઘટે કે, ગત સુનાવણી સમયે હાર્દિક પટેલ હાજર ન રહેતા સરકારી વકીલે રજૂઆત કરી હતી કે હાર્દિક દર વખતે સામાજિક કારણ બતાવીને ગેરહાજર રહે છે અને કોર્ટના નિયમનું પાલન કરતો નથી. જ્યારે હાર્દિકના વકીલે રજૂઆત કરી હતી કે, હાર્દિક પટેલ ઉપવાસ પર છે અને તેની તબિયત નાદુરસ્ત હોવાથી હાજર નથી રહ્યો. જે મામલે કોર્ટે કડક વલણ અપનાવતા 14 સપ્ટેમ્બરે હાર્દિકને ફરજિયાત હાજર રહેવાનો આદેશ કર્યો હતો. ત્યારે આજે હાર્દિક પટેલ દિનેશ બાંભણિયા અને ચિરાગ પટેલ સેશન્સ કોર્ટમાં હાજર રહેવાની સંભાવના હતી પરંતુ દિનેશ બાંભણિયા ગેરહાજર રહ્યા હતા, જેથી ચાર્જફ્રેમ દાખલ થયો નથી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer