હવે ટ્રાફિક પોલીસની `સર્જિકલ સ્ટ્રાઈક'', એક દિવસમાં 3500 ઈ-ચલાન મોકલ્યાં

મુંબઈ, તા. 14 : બે વર્ષ પહેલાં ભારતીય સૈન્યએ પાકિસ્તાનમાં ઘૂસીને કરેલી કાર્યવાહીને `સર્જિકલ સ્ટ્રાઈક' નામ આપવામાં આવ્યું હતું. હવે મહારાષ્ટ્ર પોલીસે પરિવહનના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી હાથ ધરી છે, એને પણ `સર્જિકલ સ્ટ્રાઈક' નામ જ આપવામાં આવ્યું છે.
ટ્રાફિક પોલીસના ડીસીપી રાજતિલક રોશને જણાવ્યું હતું કે નાગપુરમાં 24 કલાક ચાલેલી કાર્યવાહીમાં તેમણે 3,500થી વધુ લોકોના નામે ઈ-ચલાન ઈસ્યૂ ર્ક્યા હતા. મંગળવારે સવારે 9થી 11.30 સુધી ચાલેલી કાર્યવાહીમાં 1,285 અને બુધવારે આ જ સમય દરમિયાન કરેલી કાર્યવાહીમાં 2,275 ઈ-ચલાન ઈસ્યૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીને સર્જિકલ સ્ટ્રાઈક નામ જ કેમ આપવામાં આવ્યું એવા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે સર્જિકલ સ્ટ્રાઈકમાં એક ખાસ જગ્યા પસંદ કરીને એના પર હુમલો કરવાનો હોય છે. તેમણે પણ એ વાતની તપાસ કરી કે કઈ કઈ જગ્યાએ ટ્રાફિકના નિયમોનું સૌથી વધુ ઉલ્લંઘન થાય છે અથવા સૌથી વધુ ફરિયાદ ક્યાંથી આવે છે. એ પછી આ જગ્યાએ કાર્યવાહી વધુ સઘન કરવામાં આવી અને કેમેરાથી રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું. મુંબઈની જેમ નાગપુરમાં પણ ઠેર-ઠેર સીસીટીવી લાગેલા છે. એ દ્વારા પણ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા પકડાઈ ગયા. 
આ પહેલાં સ્વતંત્રતા દિવસે કરેલી કાર્યવાહીમાં એક દિવસમાં 4,500થી વધુ લોકોના નામે ઈ-ચલાન ઈસ્યૂ કરવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રના કોઈ પણ શહેરમાં અત્યાર સુધીની કદાચ આ સૌથી મોટી કાર્યવાહી હતી. મુંબઈ પોલીસે પરિવહન બંદોબસ્ત માટે મુંબઈ સાથે નાગપુર પર પણ વધુ ધ્યાન કેન્દ્રીત કરવાનું શરૂ ર્ક્યું છે. રાજતિલક રોશને કહ્યું હતું કે આ સર્જિકલ સ્ટ્રાઈક ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.
Published on: Sat, 15 Sep 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer