ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર વરસાદ ખેંચાતાં 1 લાખ 27 હજાર એકર જમીનને નર્મદાનું પાણી

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.14 : રાજ્યભરમાં વરસાદ ખેંચાતાં ખેડૂતોનાં હિતમાં રાજ્ય સરકારે નર્મદા ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. નર્મદા ડેમમાં આખા વર્ષ દરમિયાન પીવાનાં પાણીનો જથ્થો અનામત રાખીને બાકી વધેલા જળપુરવઠામાંથી આવતી કાલથી 20 દિવસ સુધી 20 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે. રાજ્યના 1 લાખ 27 હજાર એકર ખેતરોના ઊભા પાકને બચાવવા રાજ્ય સરકારે અગત્યનો નિર્ણય લીધો છે. ખાસ કરીને સૌની યોજના અંતર્ગત 1200 ક્યુસેક પાણી છોડી સૌરાષ્ટ્રના આજી-1, મચ્છુ-2, આકડિયા, ભીમદાદ અને ગોમા જેવા બંધો નર્મદાનાં પાણીથી ભરવામાં આવશે તેમ જ રાજકોટ અને મોરબી શહેરને પીવાનાં પાણીનું સંકટ ટળશે.
નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઇ પટેલે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે,  મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી સમીક્ષા બેઠકમાં પ્રર્વતમાન પરિસ્થિતિની સમીક્ષા કરી આ ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે. સુઝલામ સુફલામ યોજના અંતર્ગત 11 પાઇપલાઇન મારફતે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં આવેલા લગભગ 400 તળાવો સુઝલામ સુફલામ નહેર અને ધરોઇ સિંચાઇ યોજનાના પિયત વિસ્તારમાં ક્રમશ: નર્મદાનું પાણી અપાશે. જેનાથી 40 હજાર એકર જેટલા વિસ્તારને સિંચાઇનો લાભ મળશે. આ ઉપરાંત ફતેવાડી અને કારીકટ વિસ્તારમાં નર્મદાનાં પાણી આપી ઊભા પાકને બચાવવાનો નિર્ણય કરતા અમદાવાદ જિલ્લા દસક્રોઇ, ધોળકા, સાણંદ અને બાવળા તાલુકામાં આશરે 62 હજાર એકર વિસ્તારને લાભ મળશે. 
નીતિનભાઇ પટેલે ઉમેર્યું હતું કે, સૌરાષ્ટ્ર વિસ્તારની સૌની યોજના દ્વારા નર્મદાના 1200 ક્યુસેક પાણીનું વહન કરીને આજી-1, મચ્છુ-2, વડોદ, આકડિયા, ભીમદાદ, ગોમા જેવા બંધોમાં ક્રમશ: નર્મદાનું પાણી  પાક બચાવવા માટે આપવામાં આવશે. જેનાથી આશરે 25 હજાર એકરને સિંચાઇનો લાભ મળશે. આ ઉપરાંત રાજકોટ અને મોરબી શહેરને પીવાનાં પાણીનું સંકટ ટળશે. નર્મદાનું પાણી મળવાથી આ વિસ્તારોમાં પીવા /ઘરવપરાશનાં પાણીની સમસ્યા દૂર થશે અને વાવેતર થઇ ચૂકેલ વિવિધ પાકોને આ પાણીથી જીવતદાન મળશે તેમ જ પશુધનને પણ પીવાનું પાણી ઉપલબ્ધ થશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, રાજ્યની પીવાની જરૂરિયાત માટે સમગ્ર જળ વર્ષમાં એટલે કે જુલાઇથી જૂન સુધી અંદાજે 1.5 મિલિયન એકર ફૂટ પાણીની જરૂરિયાત રહે છે. જે માટે રાજ્ય સરકારે પૂરતું આયોજન કરેલ છે અને આગામી ચોમાસા સુધી પીવાનાં પાણીની કોઇ સમસ્યા નથી.
Published on: Sat, 15 Sep 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer