બકુલ પટેલ લિખિત `રિમેમ્બરિંગ રજની''નું લોકાર્પણ રજની પટેલ નહેરુના વિચારોના પ્રખર સમર્થક : પ્રણવ મુખરજી

બકુલ પટેલ લિખિત `રિમેમ્બરિંગ રજની''નું લોકાર્પણ રજની પટેલ નહેરુના વિચારોના પ્રખર સમર્થક : પ્રણવ મુખરજી
મુંબઈ, તા. 14 (પીટીઆઈ) : વરિષ્ઠ કૉંગ્રેસી નેતા, કામદાર નેતા અને બેરિસ્ટર રજની પટેલ પંડિત જવાહરલાલ નહેરુના પ્રખર અનુયાયી હતા એમ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ જણાવ્યું છે.
રજની પટેલનાં પત્ની બકુલ પટેલ દ્વારા લિખિત `રિમેમ્બરિંગ રજની'નું લોકાર્પણ કર્યા પછી મુખરજીએ જણાવ્યું હતું કે રજની પટેલ સત્તા મેળવી શક્યાં હોત, પરંતુ તેમણે લોકો સાથે કામ કરવાનું પસંદ કર્યું હતું. તેઓ પંડિત નહેરુના આધુનિક ભારતને અલગ મત ધરાવનારાઓ પ્રત્યે સહિષ્ણુતા રાખવાના અને રાષ્ટ્રીય સ્રોતો ઉપર લોકોનો અંકુશ રાખવાના વિચારોના પ્રખર સમર્થક હતા, એમ તેમણે ઉમેર્યું હતું.
રાષ્ટ્રવાદી કૉંગ્રેસના વડા શરદ પવારે જણાવ્યું હતું કે વરલીમાં નહેરુ સેન્ટર સ્થાપવાની સંકલ્પના રજની પટેલની હતી. આ પ્રકારે તેમણે પ્રથમ વડા પ્રધાન નહેરુને આદરાજંલિ આપી હતી. પટેલ ઈચ્છતા હતા કે લોકો ઉગ્ર રૂઢિવાદ છોડીને વૈજ્ઞાનિક માનસિકતા વિકસાવે. તેઓ ધર્મનિરપેક્ષ લોકશાહીમાં વિશ્વાસ રાખતા હતા, એમ પવારે ઉમેર્યું હતું.
વર્ષ 1972માં નહેરુ સેન્ટરની સંકલ્પના કરાઈ હતી. તેમાં પ્લેનેટોરિયમ, આર્ટ ગેલેરી, વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાનની પ્રયોગશાળા અને ડિસ્કવરી અૉફ ઈન્ડિયા નામના કાયમી પ્રદર્શનનો સમાવેશ થાય છે.
જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબદુલ્લાએ જણાવ્યું હતું કે પટેલ ગમે તે કરી શકે એટલું સક્ષમ વ્યક્તિત્વ ધરાવતા હતા. તેઓ નહેરુના આધુનિક ભારતના વિચારોમાં વિશ્વાસ ધરાવતા હતા, જ્યારે વર્તમાન સમયમાં કેટલાક લોકો તે બાબતને ભુલાવી દેવા માગે છે, એમ અબદુલ્લાએ ઉમેર્યું હતું.
આ કાર્યક્રમમાં સુશીલકુમાર શિંદે અને બકુલ પટેલે પણ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું.
Published on: Sat, 15 Sep 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer