વિજય માલ્યા સામેની `લૂક આઉટ'' નોટિસને સીબીઆઈએ `હળવી'' કરી : કૉંગ્રેસ

વિજય માલ્યા સામેની `લૂક આઉટ'' નોટિસને સીબીઆઈએ `હળવી'' કરી : કૉંગ્રેસ
મોદી-જેટલી પર વિપક્ષના પ્રહારો

આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 14 : વિજય માલ્યાના રહસ્યસ્ફોટ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાપ્રધાન અરુણ જેટલીની ચુપકીદી સામે સવાલ કરતાં કૉંગ્રેસે શુક્રવારે પણ 2016માં ભાગેડુ વિજય માલ્યાને ભગાવવામાં કહેવાતી મદદ કરવા બદલ મોદી સરકાર પર પ્રહારો કરવાનું ચાલુ રાખ્યું હતું અને જણાવ્યું હતું કે વડા પ્રધાનની મંજૂરી વિના આમ થયું હોય એ વાત સમજી શકાય એવી નથી.
કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ આજે એવો આરોપ મૂક્યો હતો કે સીબીઆઈએ શરાબના માંધાતા વિજય માલ્યાને ભાગવામાં કહેવાતી મદદ કરી હતી અને પીએમ મોદીની મંજૂરીથી માલ્યા માટેની `લૂક આઉટ' નોટિસ બદલવામાં આવી હતી. સીબીઆઈએ `ડીટેન' નોટિસને `ઇન્ફોર્મ' નોટિસમાં બદલીને માલ્યાને ભગાડવામાં મદદ કરી હતી. સીબીઆઈ સીધી વડા પ્રધાનને રિપોર્ટ આપતી હોય છે. આટલા મોટા કેસમાં વડા પ્રધાનની મંજૂરી વિના સીબીઆઈ લૂક આઉટ નોટિસને બદલે એ માની શકાય તેમ નથી એવો આરોપ રાહુલ ગાંધીએ ટ્વીટ કરતાં કર્યો હતો.
કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ પણ અરુણ જેટલી સામે મોરચો માંડતા એવો દાવો કર્યો હતો કે `માલ્યા સાથેની તેમની (જેટલી) મુલાકાત અંગે આઘાતજનક ઘટસ્ફોટ થયો તે મુદ્દે ચુપકીદી સેવીને જેટલી જાણે કે ગુનાની કબૂલાત કરી રહ્યા છે. કૉંગ્રેસના સાંસદ પી.એલ. પુનિયાએ ગુરુવારે એવો દાવો કર્યો હતો કે તેમણે સંસદના સેન્ટ્રલ હૉલમાં માલ્યા સાથે જેટલીએ મુલાકાત કરી હતી અને જો પોતે જૂઠા સાબિત થશે તો રાજકારણ છોડી દેશે એવી પણ અૉફર કરી હતી પરંતુ સરકાર અને જેટલી આનો પ્રતિસાદ આપી રહ્યા નથી અને આ બનાવનો સીસીટીવી ફૂટેજ પણ બહાર પાડી રહ્યા નથી અને આ મુદ્દે સંસદીય સચિવ પણ કોઈ પ્રતિસાદ આપી રહ્યા નથી એમ સૂરજેવાલાએ વધુમાં જણાવ્યું હતું.
વિવિધ બૅન્કો દ્વારા વિજય માલ્યા નાદાર જાહેર થયા બાદ તેની સામે કૉર્પોરેટ બાબતોના મંત્રાલય હેઠળ સીબીઆઈએ પોતે એફઆઈઆર કરી હતી ત્યારે 2016માં તેની સામેની લૂક આઉટ નોટિસને `ડીટેન'માંથી `ઇન્ફોર્મ'માં બદલીને તેને હળવી કરવાની સીબીઆઈની કબૂલાત બાદ કૉંગ્રેસે આ તપાસકર્તા એજન્સી પર પણ પ્રહારો કર્યા હતા. વરિષ્ઠ ઍડ્વોકેટ દુષ્યંત દવે દ્વારા માલ્યા સામે સુપ્રીમ કોર્ટમાં જવાની સલાહ આપવામાં આવી હોવા છતાં સ્ટેટ બૅન્ક અૉફ ઇન્ડિયાની આગેવાની હેઠળના બૅન્કોના કોન્સોર્ટિયમે તેમાં ઢીલ કરી હતી. સવાલ સાવ સરળ છે, આ કેસમાં `આર્કિટેક', અમલકર્તા, લાભાર્થી અને આશ્રયદાતા કોણ હતો તે દેશ જાણવા માગે છે, એમ જણાવતાં સૂરજેવાલાએ એવો આરોપ મૂક્યો હતો કે મોદી સરકારના કહેવાથી બૅન્કો અને તપાસકર્તા એજન્સીઓએ માલ્યા પ્રત્યે કૂણી લાગણી બતાવી હતી.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer