ખેલરત્ન એવૉર્ડ મામલે પહેલવાન બજરંગ કોર્ટે ચડશે

ખેલરત્ન એવૉર્ડ મામલે પહેલવાન બજરંગ કોર્ટે ચડશે
મીરાબાઇ અને વિરાટથી વધુ પૉઇન્ટ હોવાનો બજરંગનો દાવો

નવી દિલ્હી, તા.21: રમત ક્ષેત્રના દેશના સર્વોચ્ચ પુરસ્કાર રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ ન મળવાથી રોષિત અને નિરાશ સ્ટાર પહેલવાન બજરંગ પૂનિયાએ આજે ખેલ મંત્રી રાજયવર્ધનસિંહ રાઠોડ સાથે મુલાકાત કરી હતી. ખેલ મંત્રીએ આ મામલે વિચાર થશે તેવો પહેલવાનને સધિયારો આપ્યો છે. બજરંગે જણાવ્યું કે મારે આજે સાંજે ખેલમંત્રીને મળવાનું હતું, પણ સવારે અચાનક જ તેમનો ફોન આવ્યો. મેં તેમને પૂછયું મારા સૌથી વધુ પોઇન્ટ હતા, છતાં મને ખેલરત્ન એવોર્ડ આપવા પર કેમ વિચાર થયો નહીં ? તો એમણે કહયું કે તમારા એટલા પોઇન્ટ ન હતા. ખેલમત્રીની એ વાત ખોટી છે. અન્ય બે ખેલાડી (વિરાટ કોહલી અને મીરાબાઇ ચાનૂ)થી મારા પોઇન્ટ ઘણા વધુ છે.
કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર બજરંગ પૂનિયા અને મહિલા કુસ્તીબાજ વિનેશા ફોગાટના 80-80 પોઇન્ટ હતા. જ્યારે મીરાબાઇ ચાનૂના 44 અને કોહલીના ઝીરો પોઇન્ટ હતા. (ક્રિકેટમાં પોઇન્ટનું માપદંડ નથી).
આ મામલે બજરંગ પૂનિયાએ કહયું છે કે મને જો યોગ્ય જવાબ નહીં મળે તો હું કોર્ટના દ્વાર ખખડાવીશ. બજરંગ પૂનિયાની સાથે તેના ગુરૂ અને ઓલિમ્પિક ચંદ્રકધારી યોગેશ્વર દત્ત સાથે છે. બીજી તરફ ખેલ મંત્રાલયના એક અધિકારીએ કહયું છે કે હવે અંતિમ સમયે ખેલરત્ન માટે કોઇ ખેલાડીનું નામ સામેલ કરવું શકય નથી.

Published on: Sat, 22 Sep 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer