જુવારમાં ટેકાનો ઊંચો ભાવ ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ ઉપર પ્રતિકૂળ અસર પાડશે

જુવારમાં ટેકાનો ઊંચો ભાવ ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ ઉપર પ્રતિકૂળ અસર પાડશે
ઊંચા ઉત્પાદન ખર્ચને કારણે 10 વર્ષમાં ઉત્પાદનમાં 50 ટકા ઘટાડો

કોલકાતા, તા.21 : કેન્દ્ર સરકારે 14 ખરીફ પાકના ટેકાના ભાવમાં વધારો કરવાને પગલે જુવાર (માલદંડી જાત)નો ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂા. 725 વધારીને રૂા. 2450 કરાયો છે. જુવાર સહિતના આ ખરીફ પાકોના ટેકાના ભાવ સામાન્ય રીતે સરેરાશ ત્રણથી સાત ટકા એટલે કે પ્રતિ ક્વિન્ટલ રૂા. 15થી રૂા. 75 વધારવામાં આવતા હતા. વિશ્લેષકોનું કહેવું છે કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને ખરીફ પાકના ટેકાના ભાવમાં નોંધપાત્ર વધારો કરાયો છે. જુવારમાં ટેકાના ભાવમાં વધારો કરવાથી ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ (બ્રેડ અને બિસ્ટિક ઉદ્યોગ)માં પ્રતિકૂળ અસર પડશે, કેમ કે આ ઉદ્યોગમાં આંતરિક ખર્ચ નોંધપાત્ર વધશે. 
આ ક્ષેત્રમાં કાર્યરત કંપનીઓને ભય છે કે તેમનું ટર્નઓવર ઘટશે અને ભાવ વધારાનો બોજો ગ્રાહકો ઉપર પડશે. જુવારની ખેતી મુખ્યત્વે મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં થાય છે. અન્ય રાજ્યોમાં જુવારની ખેતી નાના પાયે થાય છે. 
ઈડલી, ઢોંસા, ઉપમા, ઢોકળા, ખાખરા, બિસ્કિટ, રોટલી અને કેક બનાવવામાં જુવારનો ઉપયોગ થાય છે. કેટલાંક રેસ્ટોરાં અને રેડી-ટુ-ઈટ પેકેજ ફૂડ કંપનીઓએ જુવારને સ્વાસ્થ્યપ્રદ વિકલ્પ તરીકે ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. જોકે, અન્ય પાકની સરખામણીએ ઉત્પાદન ખર્ચ વધુ હોવાથી જુવારનું ઉત્પાદન ઘટયું છે.
જુવારનું ઉત્પાદન 2007-08માં 79.3 લાખ ટન થયું હતું, જે 2017-18માં ઘટીને 46.6 લાખ ટન થયું છે. જુવારના ખેડૂતો હવે ચોખા, ઘઉં અને કઠોળની ખેતી તરફ વળ્યા છે.  
Published on: Sat, 22 Sep 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer