રૂપિયાનું અવમૂલ્યન અટકાવવા તેલ કંપનીઓ ક્રૂડ વાયદામાં ઝંપલાવશે

રૂપિયાનું અવમૂલ્યન અટકાવવા તેલ કંપનીઓ ક્રૂડ વાયદામાં ઝંપલાવશે
નવી દિલ્હી, તા. 21 : યુએસ ડૉલર સામે ભારતીય રૂપિયો 12 ટકા જેટલો તૂટયો છે. ઈરાન પર યુએસના પ્રતિબંધ નવેસરથી નવેમ્બરમાં અમલી બનવાના છે. આ સ્થિતિમાં ભારતની અૉઈલ કંપનીઓ ક્રૂડ ફયુચર પરચેઝ પ્રાઈસમાં રોકાણ કરે એમ ભારત સરકાર ઈચ્છે છે.
ક્રૂડતેલના ભાવ એકધારા વધતા રહ્યા છે. ભારત તેની ક્રૂડ માગનો 80 ટકા હિસ્સો આયાત કરે છે. આથી રૂપિયાને વધુ ઘટતો અટકાવવામાં પણ ઉપરોક્ત પગલું સહાયરૂપ બને એમ જણાય છે. ક્રૂડના ભાવો નીચા હોય ત્યારે જ ક્રૂડ વાયદામાં કામકાજ કરી લેવા હિતાવહ રહે છે.
એશિયાનાં ચલણોમાં આ વર્ષે સૌથી ખરાબ કામગીરી રૂપિયાની રહી છે. મંગળવારે ડૉલર સામે રૂપિયો 72.99 થયો હતો.
ચલણને ટેકો આપવા સરકાર બિનઆવશ્યક આયાતને નિરુત્સાહ કરવાના સંખ્યાબંધ પગલાં જાહેર કરે એવી શક્યતા છે.
રૂપી માર્કેટમાં સટ્ટાને ડામવામાં બે સૂચિત પગલાં નિષ્ફળ નીવડે તો આગામી બે મહિનામાં રૂપિયો વધુ નબળો પડશે, એમ નાણાખાતાના ઉચ્ચ અધિકારીઓ માને છે. પગલાંની જાહેરાત અને અમલ વચ્ચે જે ગાળો રહે છે તે સટ્ટાને જગ્યા પૂરી પાડે છે.
તેલ કંપનીઓના અધિકારીઓએ જણાવ્યું હતું કે જો સરકાર કહેશે તો અમે ક્રૂડતેલના વાયદામાં પ્રવૃત્ત થવા તૈયાર છીએ.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer