શૅરબજારમાં મંદીવાળાની ભીંસ મજબૂત બનતાં સૂચકાંકોમાં કડાકો

શૅરબજારમાં મંદીવાળાની ભીંસ મજબૂત બનતાં સૂચકાંકોમાં કડાકો
કપૂરની રવાનગી, રૂપિયાના ઘસારા અને તેલના ઘટાડા વચ્ચે

ભારે વેચવાલી વચ્ચે એનબીએફસી, આઈટી અને રિયલ્ટી શૅર્સમાં કડાકો
 
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 21 : વધતા ધિરાણ ખર્ચ અને આઈએલએફએસની રોકાણ જવાબદારીઓ બાબતે અસ્પષ્ટતાને વચ્ચે ભારતીય શૅરબજારોમાં શુક્રવારે વેચવાલીના ભારે દબાણ વચ્ચે 1500 પૉઈન્ટની ઊંચી વધઘટ જોવા મળી હતી. સતત ચાર સત્રથી તૂટતાં બજારમાં રોકાણકારોનાં રૂા. 5.66 લાખ કરોડનું ધોવાણ થયું હતું. ચાર દિવસમાં સેન્સેક્ષ 1249 પૉઈન્ટ એટલે કે 3.28 ટકા તૂટયો હતો. શુક્રવારે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂા. 2.02 કરોડ ઘટયું હતું.
ગણતરીની મિનિટોમાં 1128 પૉઈન્ટ તૂટયા પછી સેન્સેક્ષે મોટા ભાગનો ઘટાડો સરભર કરી લીધો હતો અને દિવસને અંતે 279.62 પૉઈન્ટ ઘટીને 36,841.60ની સપાટીએ બંધ નોંધાયો હતો. નિફ્ટી દિવસ દરમ્યાન 368 પૉઈન્ટ ઘટયા પછી ક્રમશ: સુધારા બાદ 91.25 પૉઈન્ટ ઘટીને 11,143.10ની સપાટીએ બંધ નોંધાયો હતો. સેન્સેક્ષના માત્ર 13 શૅર્સ અને નિફ્ટીના 23 શૅર્સ વધીને બંધ નોધાયા હતા. 
દિવસ દરમ્યાન બજારની નજર યસ બેન્કના શૅરમાં સતત મોટા કરેક્શન તેમ જ આરબીઆઈનાં ઓપન માર્કેટનાં કામકાજ ઉપર ઠેરવાઈ હતી. તે પછી તરલતાની કટોકટીનો તેમ જ આરબીઆઈનાં ધોરણો વધુ કડક બનવાનો ભય વધ્યો હતો. તેની અસર શૅરબજારમાં વધુ ભારણ ધરાવતા શૅર્સ તેમ જ ક્ષેત્રો ઉપર પડી હતી.
ફાયનાન્સિયલ, બૅન્ક, ફાર્મા અને રિયલ્ટી ક્ષેત્રના શૅર્સમાં મોટા ઘટાડાને પગલે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન ગયા શુક્રવારની સરખામણીએ રૂા. 1,56,37,019 કરોડથી ઘટીને રૂા. 1,50,70,832 કરોડ થયું હતું. બીએસઈ અૉઈલ અને બીએસઈ એનર્જીને બાદ કરતાં તમામ સૂચકાંકો ઘટીને બંધ થયા હતા. બીએસઈ અૉઈલ એન્ડ ગૅસ ઈન્ડેક્ષ 1.5 ટકા વધ્યો હતો. ઓઈલ ઈન્ડિયાનો શૅર 5.24 ટકા વધીને રૂા. 218.95એ બંધ નોંધાયો હતો. બીએસઈ બેન્કેક્સ, બીએસઈ રિયલ્ટી અને બીએસઈ ફાઇનાન્સે 3.5 ટકા સુધીનો ઘટાડો નોંધાવ્યો હતો.
Published on: Sat, 22 Sep 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer