રૂપિયો ડૉલર સામે બે અઠવાડિયાંની ટોચે

રૂપિયો ડૉલર સામે બે અઠવાડિયાંની ટોચે
રૂપિયો પાઉન્ડ સામે 44 પૈસા અને જાપાની યેન સામે રૂા. 1.02 સુધર્યો

નવી દિલ્હી, તા. 21 (પીટીઆઈ): રૂપિયો આજે ઇન્ટ્રાડેમાં 53 પૈસા વધીને બે અઠવાડિયાની ટોચે 71.84 ઉપર પહોંચ્યો હતો. જ્યારે ગઈકાલના બંધથી 83 પૈસા સુધર્યો હતો. ફોરેક્સ ડીલર્સનું કહેવું છે કે ટ્રેડ વૉરની ચિંતા ઘટતાં સ્થાનિક ચલણને ટેકો મળ્યો છે. ઉપરાંત વૈશ્વિક શૅરબજારોની શરૂઆત સારી રહેવાથી રૂપિયાને ટેકો મળ્યો હતો.
બુધવારે રૂપિયો યુએસ ડૉલર સામે તીવ્રતાથી વધીને 72.37 હતો, જે માર્ચ 2017 પછી એક દિવસમાં થયેલો શ્રેષ્ઠ વધારો છે. આ વર્ષે રૂપિયો એશિયાના સૌથી નબળા ચલણમાં રહ્યો છે. વર્ષ દરમિયાન ડૉલર સામે રૂપિયો 12 ટકા જેટલો ઘટયો છે. રૂપિયો હજી ઘટે નહીં એ માટે સરકાર બિન-જરૂરી આયાત ઉપર અમુક અંકુશો મૂકી શકે છે. ઉપરાંત સરકાર ઓઇલ કંપનીઓને ક્રૂડ વાયદાના ખરીદ ભાવને લોક-ઇન કરવા કહી શકે છે, એમ સરકારી સૂત્રોએ કહ્યું હતું. દેશમાં કુલ ક્રૂડતેલની માગમાં 80 ટકા જરૂરિયાત આયાતથી પૂરી કરવામાં આવતી હોવાથી આ પગલું સરકાર લેશે તેવી શક્યતા છે. ઉપરાંત બીએસઈ અને એનએસઈને તાજેતરમાં નિયામક સેબી પાસેથી કોમોડિટી ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગની મંજૂરી મળવાથી રૂપિયાને ટેકો મળ્યો છે.
 ઉપરાંત ગયા અઠવાડિયે વડા પ્રધાનના નેજા હેઠળની આર્થિક સમીક્ષા મીટિંગ યોજાઈ હતી. જેમાં નાણાપ્રધાન અરુણ જેટલીએ પાંચ પગલાં અને બિનજરૂરી આયાતને અંકુશમાં રાખી નિકાસ વધારવાની જાહેરાત કરી હતી. દરમિયાન એશિયાના શૅર્સે નવી ટોચને પાર કરી હતી, જ્યારે બીજિંગ અને વૉશિંગ્ટનના નવા આયાત ટેરિફને પગલે ડૉલર ઘટયો હતો. તેમ જ ક્રૂડતેલના ભાવમાં નજીવા ફેરફાર થયા હતા. 
ઉપરાંત બુધવારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂા. 1201.30 કરોડની લેવાલી અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોની રૂા. 2184.55 કરોડની વેચવાલીને લીધે રૂપિયાને ટેકો મળ્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer