કૉંગ્રેસ સામે ભાજપ હવે `ચોકીદાર'' અભિયાન ચલાવશે

અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 21 : વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ `દેશ કા ચૌકીદાર ચોર હૈ' એવું કહેતાં એને મુદ્દો બનાવવાની રણનીતિ ભાજપે ઘડી કાઢી છે. ભાજપ રાહુલ ગાંધીના આ નિવેદનને દેશના ચોકીદારોના અપમાન તરીકે રજૂ કરશે અને ચોકીદારો વચ્ચે એક અભિયાન ચલાવશે. આવી જાહેરાત દિલ્હી પ્રદેશ ભાજપના પ્રવક્તા તેજિન્દરપાલ સિંઘ બગ્ગાએ કરી હતી.
બગ્ગાએ ટ્વિટર પર લખ્યું હતું કે `રાહુલજી કહે છે કે ચૌકીદાર ચોર હૈ. આ તો દેશના પ્રત્યેક ચોકીદારનું અપમાન છે, જેઓ આખી રાત જાગીને આપણા ઘરનું રક્ષણ કરે છે. અમે 25 સપ્ટેમ્બરથી દર રાત્રે પ્રત્યેક ગલી અને મહોલ્લામાં ચોકીદારભાઈઓને મળીશું અને તેમને રાહુલ ગાંધીની આવી માનસિકતાથી પરિચિત કરાવીશું અને પ્રત્યેક ચોકીદારભાઈને મોદી ટી-શર્ટ ભેટ આપીશું.'
આ એ જ બગ્ગા છે જેઓ 2013માં કૉંગ્રેસના નેતા મણિશંકર ઐયરે નરેન્દ્ર મોદીને ચાઇવાલા કહ્યા ત્યારે કૉંગ્રેસ અધિવેશનના સ્થળે પહોંચી ગયા હતા અને ત્યાં ચા વેચી હતી.
હવે આગામી લોકસભાની ચૂંટણી પહેલાં બગ્ગાએ કૉંગ્રેસને ઘેરવા ચોકીદારોની પસંદગી કરી છે. બગ્ગા રાજકીય સંદેશ આપતાં ટી-શર્ટ બનાવવા માટે પણ જાણીતા છે. તેમણે ટ્વિટર પર ટી-શર્ટની ડિઝાઇન પણ પોસ્ટ કરી દીધી છે.
ગુરુવારે રાજસ્થાનના ડુંગરપુરમાં ચૂંટણીસભામાં રાહુલ ગાંધીએ રાફેલ સોદાના મુદ્દે વડા પ્રધાન પર પ્રહાર કરતાં કહ્યું હતું કે `ગલી ગલી મેં શોર હૈ, ચૌકીદાર ચોર હૈ.'

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer