રામમંદિર જેમ બને તેમ જલદી બનવું જોઈએ : મોહન ભાગવતે વ્યક્ત કરી ઈચ્છા

નહીં તો મહાભારત સર્જાશે એવી ચેતવણી આપી

પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 21 : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે અયોધ્યાના રામજન્મભૂમિના સ્થાન પર જેમ બને તેમ જલદી રામમંદિર બાંધવાની ઈચ્છા 
વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે જો તેના નિર્માણમાં અહંકાર અને રાજકીય સ્વાર્થને કારણે જો સત્ય અને ન્યાયની ઉપેક્ષા થશે તો અયોધ્યામાં `મહાભારત' સર્જાશે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે મહાભારત ન થવું જોઈએ, પરંતુ તે થઈ રહ્યું છે અને તેને કોણ ટાળી શકે છે?
મોહન ભાગવત વરિષ્ઠ પત્રકાર હેમંત શર્મા દ્વારા લિખિત `યુદ્ધ મેં અયોધ્યા' અને `અયોધ્યા કા ચશ્મદીદ' નામનાં બે પુસ્તકોના વિમોચનના સમારંભમાં બોલી રહ્યા હતા. ગુરુવારે યોજાયેલા આ સમારંભમાં અધ્યક્ષ તરીકે ગૃહપ્રધાન રાજનાથ સિંહ અને અતિથિ વિશેષ તરીકે ભાજપપ્રમુખ અમિત શાહ હાજર રહ્યા હતા.
ડૉ. ભાગવતનું ઉપરોક્ત નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે રામજન્મભૂમિ કેસની સુનાવણી સર્વોચ્ચ અદાલતમાં ચાલી રહી છે અને મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા બે અૉક્ટોબરના પોતાનો આ હોદ્દો છોડી રહ્યા છે.
બે દિવસ પહેલાં પણ વિજ્ઞાન ભવનમાં આરએસએસ તરફથી `ભારત કા ભવિષ્ય : આરએસએસ કા દૃષ્ટિકોણ' વિષય પર આયોજિત ત્રણ દિવસીય વ્યાખ્યાનમાળાના છેલ્લા દિવસે પ્રશ્નોત્તરી દરમિયાન ડૉ. ભાગવતે રામમંદિર જેમ બને તેમ જલદી બાંધવાની હિમાયત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે જો રામમંદિર બની જશે તો હિન્દુ-મુસ્લિમો વચ્ચેના વિવાદનું એક મોટું કારણ સમાપ્ત થઈ જશે.
આ મુદ્દે વટહુકમ લાવવાની બાબતમાં ડૉ. ભાગવતે જણાવ્યું હતું કે વટહુકમની બાબત સરકાર પાસે છે. શું તેઓ કાયદો બનાવી શકે છે? વટહુકમ બાદ તેને પડકારાશે નહીં એવી ખાતરી છે ખરી? આ વિવાદને લાંબા સમય સુધી ચલાવવો ન જોઈએ. રામમંદિર જેમ બને તેમ જલદી બનાવવું જોઈએ.
તેમણે જણાવ્યું હતું કે જો આને લાંબું ખેંચવામાં આવશે અને અસત્ય અને અન્યાય પર ચાલવામાં આવશે તો હિંસાનો ખતરો ઊભો થશે. આપણે આવી સ્થિતિ ઊભી કરવી નથી. આપણે સત્ય અને ન્યાય સાથે ચાલવું પડશે અને જ્યાં સત્ય છે ત્યાં અહિંસા છે. આપણે બધાએ ગંભીર આત્મચિંતન કરવાની જરૂર છે, એમ ભાગવતે વધુમાં જણાવ્યું હતું.
Published on: Sat, 22 Sep 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer