રશિયા પાસેથી હથિયારો ખરીદતાં ચીન પર પ્રતિબંધ લાદતું અમેરિકા

વૉશિંગ્ટનના પગલાથી ધૂંઆપૂંઆ બીજિંગે કહ્યું, જલદી ભૂલ સુધારો : રૂસે પણ કરી ટીકા
 
વોશિંગ્ટન/બીજિંગ, તા. 21 : એક તરફ ટ્રેડવોરને કારણે ચીન અને અમેરિકાના સંબંધમાં ખટાશ જારી જ છે તેવામાં અમેરિકાએ ચીન દ્વારા રશિયા પાસેથી સૈન્ય ઉપકરણ ખરીદવાના આરોપમાં પ્રતિબંધો લગાવતાં બંને દેશના સંબંધો વધુ કથળ્યા છે. ચીને આક્રમક વલણ અપનાવીને તુરંત આ પ્રતિબંધો હટાવવાની માંગ કરી છે, તો રશિયાએ પણ અમેરિકાના આ પગલાની આલોચના કરી હતી.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા જેંગ શુઆંગે બીજિંગમાં પ્રેસ બ્રીફિંગ દરમ્યાન જણાવ્યું હતું કે, અમેરિકાએ આંતરરાષ્ટ્રીય સંબંધોનાં આધારભૂત મૂલ્યોનો ભંગ કર્યો છે. એટલું જ નહીં, અમેરિકાના આ કદમથી બંને દેશ અને સૈન્યો વચ્ચેના સંબંધોને મોટું નુકસાન પહોંચ્યું છે. ઉલ્લેખનીય છે કે ચીન પર  આરોપ છે કે અમેરિકન કાનૂનનો ભંગ કરીને તેણે રશિયાની હથિયાર નિર્માતા કંપની સાથે સોદો કર્યો હતો. અમેરિકાના ગૃહ મંત્રાલયના અધિકારીએ એમ પણ કહ્યું કે, 2017માં ચીને 10 સુખોઈ-35 યુદ્ધવિમાન અને 2018માં એસ-400 જમીનથી હવામાં માર કરતી મિસાઈલ ખરીદી હતી. આ ખરીદી સોદાને કારણે જ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ પ્રતિબંધ બાદ હવે ચીનની એજન્સીઓ અમેરિકાના અધિકાર ક્ષેત્રમાં નિકાસ લાયસન્સ માટે આવેદન કરી શકશે નહીં અને ફોરેન એક્સ્ચેન્જ ટ્રાન્ઝેક્શનમાં પણ હિસ્સો લઈ શકશે નહીં.
વાસ્તવમાં અમેરિકાએ 2017માં કાઉન્ટરિન્ગ અમેરિકા'સ એક્વર્સરીઝ થ્રુ સેક્શન્સ એક્ટ (સીએએટીએસએ-કાટસા) લાગુ કર્યો હતો. આ કાનૂનમાં રશિયા પાસેથી સૈન્ય ઉપકરણોની ખરીદીને પ્રતિબંધિત કરવામાં આવી છે.
Published on: Sat, 22 Sep 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer