ભારત માટેની 25-30 અબજ ડૉલરની આર્થિક સહાયને વિશ્વ બૅન્કની મંજૂરી

વોશિંગ્ટન તા. 21:  ભારત માટેના મહત્વાકાંક્ષી પંચવર્ષીય માળખાને વિશ્વ બેન્કે મંજૂરી આપી છે.  આ માળખા હેઠળ નીચી-મધ્યમ આવકવાળા દેશમાંથી ઉચ્ચ મધ્યમ આવકવાળા દેશમાંના સંક્રમણ માટે ભારતને 2પથી 30 અબજ ડોલરનો આર્થિક સપોર્ટ મેળવવા ધારણા રહે છે એમ વિશ્વ બેન્કના સીનિયર અધિકારીએ જણાવ્યું હતું.  કેટલાક ચાવીરૂપ વિકાસ અગ્રક્રમો હાથ ધરીને ઉચ્ચ મધ્યમ આવકવાળા દેશ સુધીનું સંક્રમણ સાધવામાં ભારતને મદદરૂપ થવાની ભારત માટેના કન્ટ્રી પાર્ટનરશિપ ફ્રેમવર્ક (સીપીએફ)ની નેમ છે. આ અગ્રક્રમોમાં રોજગાર સર્જન, માનવમૂડીનું ઘડતર અને સાધનસ્રોતથી સક્ષમ અને સમાવેશક વૃદ્ધિનો સમાવેશ થાય છે.
ઝડપભેર વૃદ્ધિ પામતા અર્થતંત્ર, વૈશ્વિક દરજ્જો અને છેલ્લા થોડા દાયકાઓમાં સર્વોચ્ચ સંખ્યાના ગરીબોને  ગરીબીમાંથી અંત્યોદ્ધાર કરવાના તેના વિશિષ્ટ અનુભવ સાથે ભારત 2030 સુધીમાં ઉચ્ચ મધ્યમ આવકવાળો દેશ બની શકવાની સુદૃઢ પરિસ્થિતિમાં આવી ગયો હોવાનું વિશ્વ બેન્કના દ. એશિયાના ઉપપ્રમુખ હાર્ટવિગ સ્કાફરે જણાવ્યું હતું.
ભારત માટેના સીપીએફને વિશ્વ બેન્કે મંજૂર કર્યા બાદ બેન્કે છેલ્લા થોડા દાયકાની ભારતની અતુલ્ય વૃદ્ધિ અને વિકાસને માન્ય રાખ્યા હતા, એમ જણાવી વિશ્વ બેન્કના કન્ટ્રી ડિરેકટર (ભારત) જુનૈદ અહમદે ઉમેર્યુ હતું કે ભારત નીચી આવકવાળા દરજ્જામાંથી નીચી-મધ્યમ આવકવાળા દરજ્જે પહોંચી ચૂકયાનું બેન્કે માન્ય કર્યુ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer