અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 21 : તાપી જિલ્લાના વ્યારાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાયેલા એક ખેડૂતોના સેમિનારમાં કેન્દ્રનાં ટેકસ્ટાઇલ પ્રધાન સ્મૃતિ ઇરાનીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વાકયને ટાંકતા જણાવ્યું હતું કે રાષ્ટ્રનો આત્મા ગામડાઓમાં વસે છે. ગ્રામીણ કૃષિ વ્યવસ્થા જ દેશની અર્થવ્યવસ્થાને સુદૃઢ કરે છે.
ખેડૂતોની આવક બમણી કરવા ઉપસ્થિત ખેડૂતોને જણાવ્યું હતું કે દેશને બે ટંકનું ભોજન પૂરું પાડતા ખેડૂત સમુદાય તરફ કૃતજ્ઞતા પ્રગટ કરવા માટે આવી હોવાનું જણાવી તેમણે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત 1.30 લાખ કરોડના વીમા ખેડૂતોને ચૂકવ્યા છે. તેવું જણાવી તેમણે યુપીએ સરકારની સરખામણીમાં વર્તમાન સરકાર દ્વારા ખેતી માટે ખૂબ મોટું બજેટ ફાળવવામાં આવ્યું છે.
સ્મૃતિ ઇરાનીએ વધુમાં ગરીબ પરિવારને પાંચ લાખ સુધીની નિ:શુલ્ક સારવાર આપવા માટે જાહેર કરવામાં આવેલી આયુષ્માન ભારત યોજના વિશ્વની સાથી મોટી સ્વાસ્થ્ય યોજના હશે જેમાં 50 કરોડ લાભાર્થીઓને આવરી લેવામાં આવશે. તેમણે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની સરાહના કરી હતી. આધુનિક ટેકનૉલેજીના માધ્યમથી ખેડૂતોની ઊપજ તેમ જ આવકમાં વધારો થયો છે. ગુજરાત સરકાર માત્ર માણસના સ્વાસ્થ્યનું જ ધ્યાન નથી રાખતી પરંતુ પશુઓ અને જમીનના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે. તેમ જ કેન્દ્ર સરકારે પણ 15 કરોડ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડનું વિતરણ કર્યું હોવાનું જણાવી 50 હજાર કરોડની જોગવાઇ સિંચાઇ માટે કેન્દ્ર સરકાર દ્વારા અને ગ્રીન એનર્જી કાર્યક્રમ અંતર્ગત દસ હજાર કરોડની જોગવાઇ કરવામાં આવી હોવાનું ઉમેર્યું હતું.