પેટ્રોલ-ડીઝલ બાદ હવે સીએનજી-પીએનજીનો વારો !

આગામી અૉક્ટોબર મહિનામાં સમીક્ષા બાદ ગૅસની કિંમતમાં ભાવવધારો ઝીંકાવાની સંભાવના

નવી દિલ્હી, તા. 21 : વૈશ્વિક બજારમાં ડોલરના મુકાબલે રૂપિયો નબળો પડતા ઈંધણની કિંમત ભડકે બળી રહી છે. તેવામાં હવે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વૃદ્ધિ બાદ સીએનજી અને પીએનજી ઉપર દબાણ બન્યું છે. સીએનજી અને પીએનજીની કિંમતમાં આગામી 1 ઓક્ટોબર 2018ના રોજ સમીક્ષા થવાની છે. સરકારી વ્યવસ્થા હેઠળ 6 મહિને પ્રાકૃતિક ગેસની કિંમતની સમીક્ષા કરવામાં આવે છે. જેના આધારે સીએનજી અને પીએનજી બન્નેના ભાવ નક્કી થશે. આ દરમિયાન સ્થાનિક સ્તરે થતા ગેસ ઉત્પાદનની કિંમતમાં 14 ટકાના વધારાની સંભાવના છે.
આ અગાઉ માર્ચ 2016માં ગેસની કિંમતમાં ઉછાળો આવ્યો હતો. પ્રાકૃતિક ગેસની કિંમત અમેરિકા, કેનેડા, બ્રિટન અનેરશિયાના બજારને ધ્યાને લઈને નક્કી કરવામાં આવે છે. જો રૂપિયો નબળો બની રહેશે તો દરેક શહેરમાં સીએનજી અને પીએનજીની કિંમતમાં વધારો આવશે. આ વધારાના કારણે ગેસથી ચાલતા બસ, રિક્શા અને ટેંપોના ભાડામાં વૃદ્ધિ થઈ શકે છે.  દિલ્હી-એનસીઆરમાં ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ સીએનજી સપ્લાઈ કરે છે. કંપનીએ એપ્રિલથી અત્યાર સુધીમાં 3 વખત કિંમતમાં વધારો કર્યો છે. કુલ 2.89 રૂપિયામાંથી અડધો વધારો રૂપિયાના કારણે થયો છે. બીજી તરફ છેલ્લા એક મહિનાથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વૃદ્ધિ સતત ચાલી આવે છે. શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 10 પૈસા પ્રતિલિટરની વૃદ્ધિ થઈ હતી. જેના કારણે દિલ્હીમાં પેટ્રોલના ભાવ 82.32 રૂપિયા પ્રતિલિટરે પહોંચ્યા હતા.
Published on: Sat, 22 Sep 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer