ભારત-રશિયાની એસ-400 ડીલથી અમેરિકાને ચિંતા

ટ્રમ્પ પ્રશાસને આપી પ્રતિબંધની ચીમકી : અમેરિકી સ્ટીલ્થ વિમાન રશિયન રડારમાં ટ્રેક થઈ શકતાં હોવાથી સોદો રોકવા દબાણ
 
નવી દિલ્હી, તા. 21 : ભારત અબજો ડોલર ખર્ચ કરીને રશિયા પાસેથી એસ-400 ટ્રાયમ્ફ મિસાઈલ એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવાના અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. આ દરમિયાન ટ્રમ્પ પ્રશાસને શુક્રવારે કહ્યું હતું કે, રશિયા પાસેથી મોટા સૈન્ય ઉપકરણ ખરીદવાને મહત્વપૂર્ણ સોદો ગણવામાં આવશે અને તેના કારણે અમેરિકા પ્રતિબંધ પણ લાદી શકે છે. ભારત માટે અમેરિકાનું આ નિવેદન ખુબ જ અગત્યનું છે. અમેરિકા ઈચ્છે છે ભારત રશિયા પાસેથી ડિફેન્સ સિસ્ટમ ન ખરીદે કારણે કે આ સિસ્ટમ અમેરિકાના સ્ટીલ્થ વિમાનોની ક્ષમતાનું પરિક્ષણ કરવા વપરાઈ શકે છે. 
રશિયાની એસ-400 ટ્રાયમ્ફ મિસાઈલ એર ડિફેન્સ સિસ્ટમથી અમેરિકી સ્ટીલ્થ જેટનો ડેટા મળી શકે છે. તેવામાં અમેરિકાને ચિંતા છે કે, આ ડેટા રશિયા અથવા તો અન્ય દુશ્મન દેશો સુધી પહોંચી શકે છે. એસ-400ના ઉપયોગથી અમેરિકી એફ-35એસના રડાર ટ્રેક્સ જાણી શકાય છે અને તેની ટેક્નોલોજીનો ડેટા મળી શકે છે. અમેરિકાના આ અત્યાધુનિક યુદ્ધવિમાનને આગળથી રડારમાં ટ્રેક કરી શકાતા નથી. જો કે સંપૂર્ણ રીતે સ્ટીલ્થ ન હોવાથી યુદ્ધવિમાન બન્ને બાજુએથી રડારમાં આવી શકે છે. જો કે ભારતના અત્યારસુધીના રેકોર્ડમાં ક્યારેય એવું નથી બન્યું કે ટેક્નોલોજીની જાણકારી અન્ય દેશોને આપવામાં આવી હોય. આ સ્થિતિમાં અમેરિકાએ ચિંતિત થવું જોઈએ નહી. આ ઉપરાંત રશિયાની ડિફેન્સ સિસ્ટમનું વેચાણ વધતા અમેરિકાના એન્ટિ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની માગમાં ઘટાડો થશે કારણ કે એસ-400 અમેરિકી સિસ્ટમ કરતા વધુ આધુનિક છે. 
Published on: Sat, 22 Sep 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer