ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં 4364 મહિલાઓ ઉપર બળાત્કાર અને 1400 જેટલી મહિલાઓના ખૂનના ગુના નોંધાયા

વિધાનસભામાં ગૃહ વિભાગે કર્યે ખુલાસો
 
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.21: મહિલાઓ માટે સલામત ગણાતા ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન 4364 મહિલાઓ ઉપર બળાત્કાર અને 1400 જેટલી મહિલાઓના ખૂનના ગુના નોંધાયા છે.  ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલ અને બ્રિજેશ મીરજા દ્વારા પુછાયેલા પ્રશ્નના પ્રત્યુતરમાં  રાજ્યના ગૃહ વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ  આંચકો આપનારી  બાબત એ છે કે 4364 મહિલાના બળાત્કારના ગુનામાં 2048 જેટલી સગીર વયની  કિશોરીઓ પર થયેલા બળાત્કારના ગુનાનો સમાવેશ થાય છે. 
સલામત ગુજરાતની ગુલબાંગો પોકારતી વર્તમાન સરકારમાં મહિલાઓની સુરક્ષા માટે એક ગંભીર પ્રશ્ન ઉદ્દભવ્યો છે. વિધાનસભામાં ગૃહ વિભાગે આપેલા આંકડા મુજબ પાંચ વર્ષ દરમિયાન રાજ્યમાં નોંધાયેલા બળાત્કારના 4364 ગુનાઓમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 621 ગુના અને ત્યારબાદ સુરત શહેરમાં 557 ગુના નોંધાયા છે.  રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન 71 જેટલી મહિલાઓ પર બળાત્કારના કેસ નોંધાયા છે. 
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ ઉપરથી ફલિત થાય છે કે, વર્ષોવર્ષ બળાત્કારના કેસોમાં સતત વધારો થવા પામ્યો છે. વર્ષ 2013-14માં 752 ગુના, 2014-15માં 866 ગુના, 2015-16માં 911 ગુના, 2016-17માં 907 ગુના, 2017-18માં 926 ગુના 
નોંધાયા છે. ગૃહ વિભાગ દ્વારા બળાત્કારના બનેલા ગુના સંદર્ભે 6333 આરોપીઓની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 
એ જ રીતે રાજ્યના છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન મહિલાઓના ખૂનના 1400 ગુના નોંધાયા છે. જેમાં વર્ષ 2013-14માં 301 ગુના, 2014-15માં 261 ગુના, 2015-16માં 284, 2016-17માં 293 ગુના અને 2017-18માં 268 ગુના નોંધાયા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer