લદાખ સરહદે ચીનની ગુસ્તાખી 14 દિવસમાં 14 વખત ઘૂસણખોરી કર્યાનું ખૂલ્યું : સેનાના વિરોધ બાદ પરત ગયા

નવી દિલ્હી, તા. 21 : ગયા મહિને ચીને લદ્દાખના અલગ-અલગ સેક્ટરમાં 14 વખત ઘૂસણખોરી કરી હતી. આઈટીબીપી અહેવાલ પરથી આ બાબતનો ખુલાસો થયો છે. અહેવાલ મુજબ ચીનની સેનાએ લદ્દાખના ટ્રિગ હાઈટ અને ટ્રેક જંક્શનમાં સાતમી ઓગસ્ટ અને 16મી ઓગસ્ટે 6 કિલોમીટર સુધી અંદર ઘૂસણખોરી કરી હતી. આઈટીબીપી અને સેનાના વિરોધ બાદ ચીની સૈનિકો પરત ચાલ્યા ગયા હતા. આ ઘટના સવારે આશરે 8.30 કલાકે બની હતી.
એટલું જ નહીં, ચીની સૈનિકોએ ઓગસ્ટ મહિનામાં ડેપસાંગ પ્લેન્સમાં છ વખત ઘૂસણખોરી કરી હતી. આઈટીબીપી રિપોર્ટ મુજબ ચીનની સેના સૌથી પહેલાં ચોથી ઓગસ્ટે ડેપસાંગ વિસ્તારમાં 18 કિલોમીટર અંદર સુધી ઘૂસી આવી હતી. તે પછી ભારતીય સેનાના વિરોધ બાદ તેઓ પરત ચાલ્યા ગયા હતા પરંતુ એ પછી ફરી ચીની સૈનિકો એ જ રીતે 12, 13, 17 અને 19 ઓગસ્ટના ભારતીય વિસ્તારમાં ઘૂસ્યા હતા.
સૂત્રો અનુસાર લદ્દાખના ટ્રિગ હાઈટ અને ડેપસાંગનો આ વિસ્તાર ભારત માટે વ્યૂહાત્મક મહત્ત્વની જગ્યા છે એટલે જ ચીન અહીં પોતાનું પ્રભુત્વ મેળવવાની કોશિશ કરતું હોય છે અને વારંવાર ઘૂસણખોરી કરતું હોય છે. આ જ વિસ્તારમાં ભારતનું મહત્ત્વનું દૌલત બેગ ઓલ્ડી એરફિલ્ડ પણ આવેલું છે એટલે ચીન ઘૂસણખોરી કરીને તેના પર નજર રાખવા મથતું હોય છે.
ચીની સૈનિકોએ પેંગોંગ સો લેકના વિસ્તારમાં પણ ઓગસ્ટ મહિનામાં પાંચ વખત ઘૂસણખોરી કર્યાનું સામે આવ્યું છે. પેંગોગ સો લેક એવો વિસ્તાર છે જ્યાં ચીન અવારનવાર ઘૂસવાનો પ્રયત્ન કરે છે. ગયા વર્ષે પણ ઓગસ્ટ મહિનામાં  આ જ વિસ્તારમાં ચીની સૈનિકોએ ભારતીય સુરક્ષાદળો પર પથ્થરમારો કર્યો હતો, જો કે, સુરક્ષાદળોએ તેનો આકરો વળતો જવાબ પણ આપ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer