લાલબાગચા રાજા : પોલીસ સાથે ધક્કામુક્કી કરનાર મંડળના કાર્યકરોનું હવે આવી બનશે

લાલબાગચા રાજા : પોલીસ સાથે ધક્કામુક્કી કરનાર મંડળના કાર્યકરોનું હવે આવી બનશે
બંદોબસ્તમાં પોલીસ વ્યસ્ત હોવાથી આનંદ ચૌદસ બાદ કાર્યવાહી કરશે

મુંબઈ, તા. 21 : મુંબઈના સુપ્રસિદ્ધ ગણેશ મંડળ `લાલબાગચા રાજા'ના મંડપમાં ચાર દિવસ પહેલાં પોલીસ અને કાર્યકરો વચ્ચે ધક્કામુક્કી થઈ હતી. ત્યાર બાદ તેમની વચ્ચે બોલાચાલી થતાં મંડપમાં વાતાવરણ તંગ બની ગયું હતું. પોલીસના કામમાં અડચણ નાખવા બદલ તથા તેમની સાથે વાદવિવાદ કરનાર કાર્યકરો પર કાર્યવાહી થવાની શક્યતા છે. આ ઘટનાના બધા સીસીટીવી કૅમેરાનાં  ફૂટેજ અને વીડિયો તપાસ્યા બાદ તેમના પર કાર્યવાહી કરવામાં આવશે. 
લાલબાગચા રાજાના મંડપમાં મંગળવારે મંડળના ખજાનચી મંગેશ દળવીને પોલીસનો ધક્કો વાગતાં વિખવાદ થયો હતો. સૂત્રોએ આપેલી માહિતી મુજબ પોલીસના કામમાં અડચણ નાખનારા લાલબાગચા રાજા મંડળના કર્મચારી પર કાર્યવાહી થશે. એ સમયનાં સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ સહિત કૅમેરામાં રેકર્ડ કરવામાં આવેલા વીડિયો અને ભક્તોએ રેકર્ડ કરેલા વીડિયોને પણ તપાસવામાં આવશે. આ તપાસમાં જણાશે કે જો કાર્યકરે જાણીજોઈને વિવાદ સરજ્યો હશે તો તેના પર કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ ગણેશોત્સવને બે દિવસ બાકી હોવાથી વિસર્જન સુધી પોલીસ પર બંદોબસ્તની મોટી જવાબદારી છે. આ બંદોબસ્ત પત્યા પછી આ પ્રકરણની તપાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. 
આ પહેલાં લાલબાગચા રાજાના મંડપમાં અનેક વાર કાર્યકરો દ્વારા ભક્તો સાથે થતી ગેરવર્તણૂક બાબતે તેમની ટીકા કરવામાં આવી છે. 2013 માં લાલબાગચા રાજાનાં દર્શન માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેતા ભક્તો સાથે ગેરવર્તણૂક કરનાર કાર્યકરો વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ તત્કાલીન ગૃહપ્રધાબ આર. આર. પાટીલે પોલીસને આપ્યો હતો. દરમ્યાન આ વર્ષે રાજાના પગ પાસે માથું ટેકવીને દર્શન કરતી મહિલા ભક્ત સાથે પણ ગેરવર્તણૂક થઈ હોવાનો વીડિયો વાઇરલ થયો છે. 
Published on: Sat, 22 Sep 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer