ઇનફાઇટના કારણે થયાં સિંહોનાં મોત : વન વિભાગે કરી સ્પષ્ટતા

ઇનફાઇટના કારણે થયાં સિંહોનાં મોત : વન વિભાગે કરી સ્પષ્ટતા
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.21 : ગીરના જંગલમાં છેલ્લા 10 દિવસમાં 11 સિંહોનાં મોત થવા અંગે મુખ્ય વન સંરક્ષક જી. કે. સિંહાએ આજે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજી સ્પષ્ટતા કરી હતી કે, દલખાણિયા એક રેન્જમાં જ નહીં પરંતુ દલખાણિયા અને જશાધાર એમ બે રેન્જમાં સિંહોના મોત થયા છે. સિંહોનાં મોતનું કારણ ઇન ફાઇટ છે. વાયરલથી  સિંહોનાં મોત થયાં  હોવાની  કોઇ માહિતી મળી નથી. 
જી. કે. સિંહાએ  જણાવ્યું હતું કે, મોતને ભેટેલા 11 સિંહોમાંથી 6 સિંહબાળ અને પાંચ પુખ્ત વયના સિંહનો સમાવેશ થાય છે. પાંચમાંથી  ત્રણ માદા સિંહણ અને બે નર સિંહનો સમાવેશ થાય છે.  છ સિંહબાળમાંથી ત્રણના ઇનફાઇટમાં અને ત્રણના સારવાર દરમિયાન મોત થયાં છે. બે સિંહના મોત બીમારીથી અને ત્રણનાં મોત ફેફસા અને લીવરમાં ઇન્ફેક્શનથી થયા છે. આમ દલખનિયામાં 9 સિંહ અને જશાધારમાં બે સિંહનાં મોત થયાં છે. 
તેમણે એમ પણ કહ્યું કે, પાંચ પુખ્ત વયના સિંહમાંથી બે કેસમાં માઇક્રોચીપ મળી આવી છે જ્યારે ત્રણ કેસમાં મળી નથી. આ વિસ્તારમાં હાલ પાચ સિંહોને રેસ્કયૂ કરીને સરસિયા વીડી વિસ્તારમાં રાખવામાં આવ્યા છે. આ પાંચ સિંહોમાંથી  એક નર અને એક માદાના ગળામાં ચીપ મળી આવી છે. આ વાત સાબિત કરે છે કે આ વિસ્તારમાં બહારના સિંહોની અવરજવર વધારે હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કોઇપણ સિંહના પેટમાંથી  ફૂડ પાર્ટીકલ મળ્યા નથી. બીમારી કે કેઇ વાયરસથી સિંહનાં મોત થયાં હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઉલ્લેખ નથી, પણ વર્ચસ્વની લડાઇને કારણે ઇનફાઇટથી  મોત થયાં છે. ક્ષેત્ર પર અધિકાર જમાવવા સિંહોમાં અંદરોઅંદર લડાઇ થાય છે. વન સંરક્ષક સિંહાના કહેવા પ્રમાણે ગીરમાં દર વર્ષે 210 સિંહબાળ જન્મે છે જેમાંથી 140 જેવા મોતને ભેટે છે અને 70 સિંહ પુખ્તવયે પહોંચે છે. 
વધુમાં તેમણે કહ્યું કે, દસ દિવસમાં 11 સિંહોનાં મોતની તપાસ માટે વન વિભાગના પીસીસીએફ વાઇલ્ડ લાઇફ અક્ષય સક્સેના, પીસીસીએફ વિજિલન્સ આર. એલ. મીના, સીસીએફ વાઇલ્ડ એ. સી. પટેલ સહિતના અધિકારીઓનો કાફલો ધારીમાં પહોંચી ગયો છે. 
રાજ્યમાં સિંહોની વસતી ગણતરી વર્ષ 2015માં હાથ ધરાઇ હતી. જે પ્રમાણે સિંહોની સંખ્યા 523 હતી. જેમાં 109 નર, 201 માદા અને 73 પાઠડા અને 140 બાળસિંહોનો સમાવેશ થાય છે. વર્ષ 2010માં 411 સિંહોની વસતી હતી. વર્ષ 2005માં ગીરના જંગલોમાં 359 સિંહો વસવાટ કરતા હતા.
Published on: Sat, 22 Sep 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer