તોયબાના પાંચ આતંકવાદી ઠાર

તોયબાના પાંચ આતંકવાદી ઠાર
બાંદીપોરામાં સલામતી દળો દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં મળી સફળતા
 
શ્રીનગર, તા. 21 : આજે ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં ભીષણ એન્કાઉન્ટર દરમ્યાન ઓછામાં ઓછા પાંચ લશ્કર-એ-તોયબાના આતંકવાદી ઠાર મરાયા હતા. માર્યા ગયેલા તમામ આતંકવાદી થોડા સમય પહેલાં જ ઘૂસણખોરી કરીને જમ્મુ-કાશ્મીરમાં આવ્યા હતા.
એન્કાઉન્ટર બાંદીપોરાના સુમલાર વિસ્તારમાં થયું હતું એમ પોલીસે કહેતાં જણાવ્યું હતું કે, પાંચે આતંકવાદી થોડા સમય પહેલાં જ અંકુશરેખા (એલઓસી) પાર કરીને કાશ્મીરમાં આવ્યા હતા અને ખીણમાં અલગ-અલગ સ્થળે જવાના પ્રયાસમાં હતા.
ગઈકાલે એક વણ- ઓળખાયેલો આતંકવાદી માર્યા જવા સાથે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની આ અથડામણ શરૂ થઈ હતી. 
સલામતી દળોએ આતંકવાદીઓ લપાયા હોવાની બાતમીના આધારે સુમલાર વિસ્તારને કોર્ડન કરીને તપાસ અભિયાન હાથ ધર્યું હતું, જે દરમ્યાન આતંકવાદીઓએ ગોળીબાર કરતાં શોધ અભિયાન  એન્કાઉન્ટરમાં પરિણમ્યું હતું.
હિઝબુલ મુજાહિદ્દીન દ્વારા ત્રણ પોલીસના અપહરણ બાદ તેની હત્યા કરાયાના દિવસે જ સલામતી દળો દ્વારા આતંકવાદીઓ સામે ધાક બેસાડતી આ કાર્યવાહી કરવામાં આવી હતી.
આતંકવાદી  જે સ્થળે છુપાયા હતા ત્યાં આઈડીનો ઉપયોગ કરીને વિસ્ફોટ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ એન્કાઉન્ટર આગળ ચલાવવામાં આવ્યું હતું. આ સાથે અન્ય આતંકીની ભાળ મેળવવા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. કહેવાઇ રહ્યું છે કે સૈન્ય અધિકારીઓને ગુરુવારે સવારે બાંદીપોરાના સુકબાબુન જંગલમાં એક મોટા આતંકી દળની હલચલની જાણકારી મળી હતી. આ બાતમીના આધારે 14 રાષ્ટ્રીય રાઈફલ, જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સીઆરપીએફના જવાનોએ જંગલની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, તેવામાં જંગલમાં છુપાઇને બેઠેલા આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો અને જવાનોએ કાઉન્ટર ઓપરેશન છેડયું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer