રાફેલ માટે ભારત સરકારે આપ્યું હતું રિલાયન્સ ડિફેન્સનું નામ

રાફેલ માટે ભારત સરકારે આપ્યું હતું રિલાયન્સ ડિફેન્સનું નામ
રાફેલ વિવાદમાં નવો વળાંક લાવતું પૂર્વ ફ્રેન્ચ રાષ્ટ્રપતિનું નિવેદન
 
નવી દિલ્હી, તા. 21 (પીટીઆઈ): દેશમાં રાફેલ ઉપર ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે હવે એક નવો વળાંક આવ્યો છે. ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાન્દે કહ્યું છે કે, રાફેલ ડીલ માટે ભારત સરકાર તરફથી અનિલ અંબાણીની રિલાયન્સના નામનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો અને ડસોલ્ટ એવિએશન પાસે  અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સ સાથે ભાગીદારી કરવા સીવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નહોતો. ફ્રાન્સની એક પત્રિકામાં છપાયેલા ઈન્ટરવ્યુ મુજબ ઓલાન્દે કહ્યું હતું કે, પસંદગી બાબતે ડસોલ્ટ એવિએશનની રાફેલ ડીલમાં કોઈ ભૂમિકા નહોતી. 
ઓલાન્દ કહ્યું હતું કે, ભારત સરકારે જે સર્વિસ ગ્રુપનું નામ આપ્યું હતું તેની સાથે ડેસોલ્ટે વાતચીત કરી હતી. ડસોલ્ટે અનિલ અંબાણી સાથે સંપર્ક કર્યો હતો. કારણ કે અન્ય વિકલ્પ નહોતો. ઓલાંન્દની આ વાત સરકારના દાવાને ખારિજ કરે છે જેમાં કહેવામાં આવ્યું હતું કે, ડસોલ્ટ અને રિલાયન્સ વચ્ચેની સમજૂતી એક કોમર્શિયલ પેક્ટ હતો જે બે ખાનગી કંપની વચ્ચે થઈ હતી. આ મામલામાં સરકારની કોઈ ભૂમિકા નહોતી. ઓલાન્દના નિવેદન બાદ રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે, ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિએ આપેલા નિવેદનની પુષ્ટી કરવામાં આવી રહી છે. આ સાથે ફરી કહ્યું હતું કે, સમજૂતીમાં ભારત સરકાર અને ફ્રાન્સ સરકારની કોઈ ભૂમિકા નહોતી. ઓલાન્દના ઈન્ટરવ્યુના ટ્વીટને પ્રશાંત ભુષણ અને કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ આર્ટિકલને રિટ્વીટ કર્યું હતું.  મનીષ તિવારીએ ઓલાન્દને પુછ્યું હતું કે, રાફેલની 2012માં 590 કરોડની કિંમત 2015માં 1690 કરોડ કેવી રીતે થઈ તે પણ જણાવશો. 
કોંગ્રેસ દ્વારા રાફેલને લઈને સરકાર ઉપર સતત પ્રહારો કરવામાં આવી રહ્યા છે અને સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે, ડીલમાં િહંદુસ્તાન એરોનોટિક્સને કેમ સામેલ કરવામાં ન આવ્યું ? જેના જવાબમાં નાણામંત્રી અરૂણ જેટલી અને રક્ષામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, આ સમજૂતી બે ખાનગી કંપની વચ્ચે થઈ હતી. તેમાં ભારત સરકારની કોઈ ભૂમિકા નથી. આ ઉપરાંત એચએએલના પૂર્વ પ્રમુખ ટી સુવર્ણા રાજુએ કહ્યું હતું કે, એચએએલ યુદ્ધવિમાન બનાવી શકે છે. જ્યારે રક્ષામંત્રીએ કહ્યું હતું કે, વિમાન બનાવનારી સરકારી કંપની રાફેલ બનાવવા માટે ટેક્નિકલ રૂપે સક્ષમ નથી. આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સુવર્ણા રાજુના નિવેદનનો ઉલ્લેખ કરીને રક્ષામંત્રી નિર્મલા સીતારમણ ઉપર દેશને ગેરમાર્ગે દોરવાનો આરોપ મુક્યો હતો અને રાજીનામાની માગણી કરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer