સેન્સેક્ષમાં 1500 પૉઈન્ટના રોલરકોસ્ટરથી જીવ અધ્ધર

સેન્સેક્ષમાં 1500 પૉઈન્ટના રોલરકોસ્ટરથી જીવ અધ્ધર
10 મિનિટના ગાળામાં સર્જાયેલી અફરાતફરી : કારોબારના અંતે સેન્સેક્ષ 279 અને નિફ્ટી 91 પૉઈન્ટ ઘટીને બંધ આવ્યો 
 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.21 : છેલ્લા કેટલાંક દિવસોથી સતત ધોવાઈ રહેલા શેરબજારમાં આજે સાપ્તાહિક કારોબારનાં આખરી દિવસે સેન્સેક્સ ઓચિંતા 1પ00 પોઈન્ટનું ગોથું ખાઈ જતાં રોકાણકારોને ધ્રાસ્કો પડી ગયો હતો. જો કે જેટલી ઝડપથી તોતિંગ ગાબડું પડયું એટલી જ ગતિએ બજાર સુધરી જતાં લોકોનાં જીવમાં જીવ આવ્યો હતો અને આખરે સેન્સેક્સ 279.62 અને નિફ્ટી 91.2પ પોઈન્ટ જેટલાં ઘટીને અનુક્રમે 36841.60 અને 11143.10 અંકની સપાટીએ બંધ આવ્યા હતાં.
વધુ એક બ્લેક ફ્રાઈડેની દહેશતે બજારમાં આજે હાહાકાર મચાવી દીધો હતો અને થોડા સમય માટે બજારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આજે બજારમાં 1પ00 પોઈન્ટની બિહામણી ફેરફૂદરડીનું મુખ્ય કારણ યસ બેન્કનાં સીબીઓ રાણા કપૂર સામે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની સખ્તાઈને માનવામાં આવે છે. 
આજે કારોબારનાં આરંભે સેન્સેક્સ અને નિફ્ટી બન્નેમાં થોડો વખત તેજી દેખાઈ હતી. સેન્સેક્સ 270 પોઈન્ટ વધીને 37391 અને નિફ્ટી પણ 89 પોઈન્ટ જેટલો વધીને 11323ની સપાટી આસપાસ મજબૂત દેખાવા લાગ્યા હતાં. બપોરે 12.3પ કલાકે 37302ની સપાટીએથી સેન્સેક્સમાં ઘટાડો શરૂ થયો હતો અને 12.પપ કલાકે તેમાં 2પ0 જેટલા પોઈન્ટ ઘટી ગયા હતાં. ત્યાંથી બજારમાં મારકાટ શરૂ થઈ હતી અને 1.10 કલાકે તો સેન્સેક્સ 36138 પોઈન્ટ સુધી સપાટાભેર સરકી ગયો હતો. જો કે પછીની 10 મિનિટમાં જ બજારમાં 800 પોઈન્ટ જેટલો સુધારો આવી જતાં લોકોનાં થંભી ગયેલા શ્વાસમાં થોડી રાહત થઈ હતી. ત્યારબાદ બજારની ચાલ સાવચેત થઈ ગઈ હતી અને થોડીઘણી વધઘટ સાથે આખરે સેન્સેક્સ 279 પોઈન્ટ ઘટીને બંધ આવ્યો હતો. 
આજે કારોબાર દરમિયાન એવી અફવા ઉડી હતી કે દીવાન હાઉસીંગ ફાયનાન્સ લિ.(ડીએચએફએલ) નાદાર થઈ છે. આ અફવા દાવાનળની જેમ ફેલાઈ અને ક્ષણભરમાં જ બજારમાં કાળોકેર મચાવી દીધો હતો. આ અફવાને પગલે ડીએચએફએલનાં શેરમાં પણ 60 ટકાનું બાકોરું પડી ગયું હતું .
Published on: Sat, 22 Sep 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer