કાશ્મીરમાં વધુ ત્રણ પોલીસની અપહરણ બાદ હત્યા

કાશ્મીરમાં વધુ ત્રણ પોલીસની અપહરણ બાદ હત્યા
હિઝબુલના આતંકી કૃત્યથી આક્રોશ : છ પોલીસનાં રાજીનામાંના હેવાલ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નકાર્યા
 
નવી દિલ્હી / શ્રીનગર, તા. 21 (પીટીઆઈ) : જમ્મુ અને કાશ્મીરમાં બેફામ બનેલા ત્રાસવાદના વરવા રૂપમાં હિઝબુલ મુજાહિદ્દીનના ત્રાસવાદીઓએ આજે દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં ત્રણ પોલીસનું અપહરણ કરીને ઠંડા કલેજે હત્યા નીપજાવતાં આક્રોશ ફેલાયો છે અને આ જઘન્ય બનાવને પગલે 1.2 લાખ માનવબળ ધરાવતી જમ્મુ અને કાશ્મીર પોલીસમાંથી કમ સે કમ છ ખાસ પોલીસ અધિકારી (એસપીઓ)એ સોશિયલ મીડિયામાં રાજીનામું ધરી દેવાના હેવાલ ચમક્યા હતા, જેને કેન્દ્રીય ગૃહમંત્રાલયે નકાર્યા હતા અને તેને આતંકીઓનો દુષ્પ્રચાર ગણાવ્યો હતો. 
શોપિયાં જિલ્લામાં એક નદી પાસે ફળોના બગીચામાં કોન્સ્ટેબલ નિસ્સાર અહેમદ, ખાસ પોલીસ અધિકારીઓ ફિરદૈસ અહેમદ અને કુલવંત સિંહના મૃતદેહ મળી આવ્યા હતા. કથિતપણે હિઝબુલ મુજાહિદ્દીનના એક વીડિયોમાં એસપીઓ તરીકે ફરજ બજાવતા તમામ કાશ્મીરીઓઁ રાજીનામાં ધરી દેવાની ધમકી અપાઈ હતી. 
ઈન્સપેક્ટર જનરલ ઓફ પોલીસ (કાશ્મીર) સ્વયંપ્રકાશ સિંહ પાણીએ જણાવ્યું હતું કે, આ ઘટના કાયરતાપૂર્ણ છે, સુરક્ષા દળોની ભીંસથી ત્રાસવાદીઓ મરણિયા બન્યા છે. અમે બર્બરતાપૂર્ણ કૃત્યમાં અમારા ત્રણ બહાદુર જવાન ગુમાવ્યા છે. અમે ટૂંક સમયમાં દોષીઓને સજા આપશું. 
આજે વહેલી સવારે બટાગુંદ અને કપરાન ગામમાંથી આ પોલીસ જવાનોનું અપહરણ કરાયું હતું. બટાગુંદમાં તો ગ્રામજનોએ ત્રાસવાદીઓ પાછળ દોડીને પોલીસને છોડી દેવા અનુરોધ કર્યો હતો પણ ત્રાસવાદીઓએ જવાબમાં હવામાં ગોળીબાર કરીને ગ્રામજનોને વિખેરી નાખ્યા હતા. 
દરમ્યાન, આ ઘટનાક્રમને પગલે છ પોલીસે સોશિયલ મીડિયામાં રાજીનામું ધરી દીધું હોવાના હેવાલ પ્રસર્યા હતા. ગૃહમંત્રાલયે હેવાલ નકારતાં કહ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરના પોલીસ કર્મીઓએ રાજીનામું આપ્યું હતું. 
પાકિસ્તાની દળોએ સીમા દળના જવાન સાથે બર્બરતા આચર્યા બાદ હવે ત્રણ પોલીસની હત્યાથી આક્રોશ ફેલાયો હતો.
Published on: Sat, 22 Sep 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer