28 સપ્ટેમ્બરના ભારત બંધમાં વડોદરાના વેપારીઓ પણ જોડાશે

મારા પ્રતિનિધિ તરફથી
 વડોદરા, તા. 22 : ભારતના રિટેલ સેકટરમાં વોલમાર્ટ સહિત વિદેશી કંપનીઓને પ્રવેશ આપવાની થઈ રહેલી હિલચાલ સામે વેપારીઓના ફેડરેશન કેટ (કોન ફેડરેશન અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેડર્સ ) દ્વારા 28 સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં વડોદરાના વેપારીઓ પણ જોડાશે.
 આ માટે વેપાર વિકાસ ઍસોસિયેશન દ્વારા વેપારીઓની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વેપારીઓ હાજર રહ્યા હતા. વેપારી વિસકા ઍસોસિયેશનના કન્વિનર પરેશ પરીખના કહેવા પ્રમાણે ફિલપકાર્ટને ટેકઓવર કરીને વોલમાર્ટે પાછલા બારણે ભારતમાં એન્ટ્રી મારી છે. જેની સામે કેટ દ્વારા હાઈ કોર્ટમાં પિટિશન પણ દાખલ કરવામાં આવેલી છે. 28મીએ રિટેલ સેકટરમાં એફડીઆઈને મંજૂરી આપવાની થઈ રહેલી હિલચાલના વિરોધમાં બંધના એલાનમાં વડોદરાના વેપારીઓ જોડાશે. તેમના કહેવા પ્રમાણે વેપારીઓ આ દિવસે સવારે 11 વાગે ન્યાયમંદિર ખાતેથી એક રૅલી કાઢીને કલેકટર કચેરી ખાતે જશે અને કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરશે. એ પહેલા 26 સપ્ટેમ્બરે બંધના એલાન અંગે અવેરનેસ માટે પણ એક રૅલી વેપારીઓ દ્વારા કાઢવામાં આવશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer