પર્યાવરણ રક્ષા અને ગૌસેવાની માત્ર વાતો ? ગોબરની એક પણ ગણેશમૂર્તિ ન વેચાઇ

પર્યાવરણ રક્ષા અને ગૌસેવાની માત્ર વાતો ? ગોબરની એક પણ ગણેશમૂર્તિ ન વેચાઇ
મુંબઈ, તા. 22 : આપણા સૌનો ગમતીલો ગણેશ મહોત્સવ ધૂમધામથી ઊજવાઇ રહ્યો છે ત્યારે ઉત્સવના ઉન્માદમાં જાણ્યે-અજાણ્યે પર્યાવરણનો ખો નીકળી જાય છે. કેટલાંય વર્ષોથી માટીની કે ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓની વાતો થાય છે પરંતુ પ્લાસ્ટર અૉફ પેરિસની તોતિંગ મૂર્તિઓનું જ ચારેકોર ચલણ છે. સરવાળે તહેવારોનું કમર્શિયલાઇઝેશન થયું છે અને પર્યાવરણના ભોગે પરંપરાઓના નામે આપણે ઉત્સવો ઊજવીએ છીએ, એ કડવી હકીકત છે. આમ તો દેશભરમાં ગૌસેવાની પણ વાતો થઇ રહી છે ત્યારે રાજસ્થાનના પથમેડામાં આવેલી વિશ્વની સૌથી મોટી ગૌશાળાએ પોતાના પંચગવ્ય ઉત્પાદનો સાથે આ વર્ષે રક્ષાબંધન વખતે ગોબરની રાખડી બાદ ગણેશોત્સવને ધ્યાનમાં રાખીને ગાયના છાણની બનેલી ગણેશમૂર્તિઓ બજારમાં મૂકી છે. જોકે, મુંબઈમાં પથમેડા સાથે સંલગ્ન એક દુકાનદારે જણાવ્યું હતું કે એક પણ મૂર્તિ વેચાઇ નથી. તેમના જણાવ્યા પ્રમાણે અમે માર્કેટિંગ નથી કર્યું એ વાત સાચી છે પરંતુ એવા કેટલાય લોકો છે જે અમારે ત્યાંથી દૂધ અને ગૌમૂત્ર સહિતનાં પંચગવ્ય ઉત્પાદનો નિયમિતપણે લઇ જાય છે પરંતુ ઘરે ગણેશની પ્લાસ્ટર અૉફ પેરિસની મૂર્તિઓ જ લાવ્યા છે. લોકો ગણેશ ઉત્સવમાં સો ટકા ઇકોફ્રેન્ડલી ગોબરની મૂર્તિ પણ સ્થાપી શકે છે અને સાચા અર્થમાં ગૌસેવામાં પણ સહયોગ આપી શકાય છે, પરંતુ ઉત્સવના ઉન્માદમાં કોઇને પર્યાવરણ કે ગૌસેવા ક્યાં યાદ આવે છે ?

Published on: Sat, 22 Sep 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer