પાક.ની નાપાક હરકત : આતંકી બુરહાન વાની પર ટપાલ ટિકિટ!

પાક.ની નાપાક હરકત : આતંકી બુરહાન વાની પર ટપાલ ટિકિટ!
કરાંચી, તા. 22 : પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને ભલે શાંતિ મંત્રણા શરૂ કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હોય, પરંતુ પાકિસ્તાનમાં હજુ પણ કાશ્મીરમાં લડી રહેલા અલગાવવાદીઓ માટે કૂણી લાગી છે. પાકિસ્તાની પોસ્ટ વિભાગે 20 ટપાલ ટિકિટ જાહેર કરી છે, જેમાં જમ્મુ-કાશ્મીરમાં ઠાર કરાયેલા આતંકી બુરહાન વાની અંગે પણ એક ટિકિટ છે. આ સિવાય અન્ય કેટલાક લોકો પણ છે, જેમને કાશ્મીરમાં `ભારતીય સૈનિકો દ્વારા પીડિત' તરીકે દર્શાવાયા છે.
પાકિસ્તાનના પોસ્ટ વિભાગના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે આ ટપાલ ટિકિટને કરાચીથી જાહેર કરાઈ છે. કરાચીમાં પાકિસ્તાનના પોસ્ટ વિભાગની મુખ્ય અૉફિસ છે. પાકિસ્તાને કાશ્મીરના જંગમાં પોતે સાથે હોવા માટે આ પગલું ભર્યું છે. `આ દ્વારા અમે કાશ્મીરના લોકોની સમસ્યાને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તર પર લઈ જવાનો પ્રયાસ કર્યો છે' એમ તેમણે કહ્યું હતું. એટલું જ નહીં, પાકિસ્તાને તમામ સીમા ઓળંગીને આતંકીની તસવીર નીચે કેપ્શન લખીને એમને પીડિત અને શહીદ જાહેર કરવાનો પ્રયાસ કર્યો છે.
આ ટપાલ ટિકિટમાં આમ લખ્યું : કેમિકલ હથિયારોનો ઉપયોગ, પેલેટ ગનનો ઉપયોગ, સામૂહિક કબરો અને બુરહાન વાની ફ્રીડમ આઈકોન (1994-2016). ઉલ્લેખનીય છે કે કાશ્મીર ખીણ પ્રદેશમાં આતંકીઓના પોસ્ટ બોય બનેલા બુરહાન વાનીને સુરક્ષા દળોએ 8 જુલાઈ, 2016ના રોજ અનંતનાગમાં એક અથડામણમાં ઠાર કર્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer