અગિયારીઓને બચાવવા માટે નિષ્ણાતો વિકલ્પ સૂચવે છે

અગિયારીઓને બચાવવા માટે નિષ્ણાતો વિકલ્પ સૂચવે છે
મુંબઈ, તા. 22 : મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન લિ. (એમએમઆરસીએલ) એન્જિનિયરો ભૂગર્ભ કાલબાદેવી સ્ટેશન 3.5 મીટર સુધી ઘટાડી શકાય કે એવા યુરોપિયન ટનેલ નિષ્ણાતોએ કરેલા સૂચન પર ચર્ચાવિચારણા કરી રહ્યા છે. આ 35 કિ.મી.ની ભૂગર્ભ મેટ્રો કોલાબા ને બાંદરા માર્ગે સીપ્ઝ સાથે જોડશે.
એમએમઆરસીએલના ધારાશાત્રી એસ. જી. ઍનીએ ગઈકાલે બૉમ્બે હાઈ કોર્ટના કાર્યવાહક ચીફ જસ્ટીસ નરેશ પાટીલ અને જસ્ટીસ આર. જી. કેતકરની બેન્ચ સમક્ષ આ સબમિશન કર્યું હતું. તેમણે પ્રિન્સેસ સ્ટ્રીટ નજીક આવેલા મુંબઈના બે સર્વોચ્ચ ગ્રેડ ધરાવતા આતશબહેરામ - અંજુમન અને વાડિયાજી આતશબહેરામને બાયપાસ કરવા માટે ટનેલના રિએલાઈન્મેન્ટની માગણી કરતી અરજીની સુનાવણીમાં ત્રણ દિવસની દલીલો પૂર્ણ કરી હતી.
તેમના સબમિશનથી કોર્ટ રૂમમાં બે કલાક હાજર રહેલા 200 જેટલા પારસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. એમએમઆરસીએલએ જણાવ્યું હતું કે તેના એન્જિનિયરો આ મુદ્દે વાતચીત કરી રહ્યા હોઈ તેને માટે સપ્તાહના પ્રારંભે બોલાવેલા નિષ્ણાતો પાછા ફર્યા છે. અરજદારો અને આતશબહેરામના ટ્રસ્ટીઓએ તેમના મૂળભૂત અધિકારો જળવાઈ રહે તે માટે લગભગ ચાર મીટરના સ્થળાંતરની માગણી કરી હતી.
ઍનીએ જણાવ્યું હતું કે ખરેખરો વિચાર ચોક્કસ સ્પેસિફિકેશન મૂકવાનો હોઈ આર્કિટેક્ટ હાફીઝ કોન્ટ્રેક્ટર તેનું ડ્રોઈંગ બનાવશે અને તે અંગે જરૂરપડયે વધુ ચર્ચા પણ કરાશે. અમને આશા છે કે તેમાંથી કંઈક નક્કર ઊપજશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે પારસી કોમ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના પુસ્તક `માય જર્ની'ના લેખ `બ્યુટીફૂલ સ્ટોરી'માંથી પ્રેરણા લઈ શકે છે ઍનીએ આ પ્રેરણાદાયક લેખ કોર્ટ સમક્ષ વાંચી સંભળાવ્યો હતો.
જો પારસી કોમ ચાહે તો પથપ્રદર્શક પણ બની શકે છે, કેમ કે આ શહેર (મુંબઈ)ને પારસીઓએ કરેલી સખાવત અને વિકાસ માટે લોકો યાદ કરે છે. મેટ્રોનું કામ એક દિવસ પણ રોકવામાં આવે તો તેનો રૂા. 4.5 કરોડ (ખર્ચ) થાય છે, એમ પણ ઍનીએ વધુમાં જણાવ્યું છે.
દરમિયાન અરજદારોના વકીલ ઝેરીક દસ્તુરે જણાવ્યું હતું કે તેમના નિષ્ણાતો આઠ રિએલાઈન્મેન્ટ વિકલ્પ વિચારણાર્થે આપશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer