ફાઇનલ પહેલાં ભારત બૅટિંગક્રમમાં પ્રયોગ કરશે ?

અફઘાનિસ્તાન સામે વિજયક્રમ જાળવી રાખવાનો ટીમ ઇન્ડિયાનો લક્ષ્યાંક
દુબઈ, તા.24: એશિયા કપમાં ટીમ ઇન્ડિયા સુપર ફોર રાઉન્ડના તેના આખરી મેચમાં આવતીકાલે મંગળવારે અફઘાનિસ્તાનની લડાયક ટીમનો સામનો કરશે. ભારતીય ટીમ પાકિસ્તાનને 9 વિકેટે સજ્જડ હાર આપીને ફાઇનલમાં સ્થાન જમાવી ચૂકી છે. આથી અફઘાનિસ્તાન સામેના મેચમાં બેટિંગક્રમમાં ભારત પ્રયોગ કરી શકે છે, કારણ કે એશિયા કપમાં સુકાની રોહિત શર્મા અને શિખર ધવનની ઓપનિંગ જોડીના શાનદાર ફોર્મને લીધે મધ્યક્રમના બેટધરોને ક્રિઝ પર પગ જમાવવાનો બહુ મોકો મળ્યો નથી. જો કે ભારતીય ટીમ તેનું અજય અભિયાન ચાલુ રાખવા માટે અફઘાન સામે જરા પણ હળવાશથી રમવાના મૂડમાં નથી. ફાઇનલ પહેલા કોચ શાત્રી અને સુકાની રોહિત શર્માની નજર રમતના ત્રણેય વિભાગમાં ટીમને પૂરી રીતે તૈયાર કરવા પર રહેશે. 
હોંગકોંગ સામેના અપ્રભાવી પ્રદર્શન બાદ ભારતીય ટીમને પાકિસ્તાનને બંને મેચમાં કચડી નાંખ્યું છે. જ્યારે બંગલાદેશ સામે પણ એકતરફી જીત મેળવી છે. હવે સુકાની રોહિત શર્મા એવું ઇચ્છી રહ્યો છે કે રાશિદ ખાન જેવા વર્લ્ડ ક્લાસ સ્પિનર સામે મીડલઓર્ડરના બેટસમેનોને રમવાનો મોકો મળે. ક્રિકેટ અનિશ્ચિતતાની  રમત છે. મીડલઓર્ડરના બેટસમેનો માટે ફાઇનલ પહેલા ક્રિઝ પર આવવાનો મોકો મળે તે જરૂરી છે. 
સુકાની રોહિતે અને ધવને ક્રમશ: 284 અને 321 દડાનો સામનો કર્યો છે. જ્યારે રાયડુએ 162 દડા રમ્યા છે. આ સામે કાર્તિકે 78, ધોનીએ 40 અને કેદારને ફક્ત 27 દડા જ એશિયા કપમાં રમવા મળ્યા છે. જો ફાઇનલમાં ઓપનિંગ જોડી ન ચાલે તો જવાબદારી મીડલ ઓર્ડરની રહેશે. આથી તેમના માટે બેટિંગ પ્રેક્ટિસ જરૂરી છે. ફાઇનલ પહેલા બુમરાહ અને ભુવનેશ્વરને વિશ્રામ મળી શકે છે.
બીજી તરફ ગ્રુપ તબક્કામાં શ્રીલંકા અને બાંગલાદેશને હાર આપ્યા બાદ અફઘાનિસ્તાનને સુપર ફોરમાં પાકિસ્તાન અને બાંગલાદેશ સામે હાર મળી છે. ભારત સામે તે સન્માનજનક દેખાવ સાથે વિદાયના ઇરાદે મેદાને પડશે.
 

Published on: Tue, 25 Sep 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer