અફડાતફડીના માહોલ વચ્ચે રિયલ્ટી, ફાઇનાન્સ, ફાર્મા શૅર્સમાં વેચો-વેચો

અફડાતફડીના માહોલ વચ્ચે રિયલ્ટી, ફાઇનાન્સ, ફાર્મા શૅર્સમાં વેચો-વેચો
સેન્સેક્ષ 536, નિફટી 175 પૉઇન્ટસ તૂટયા
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 24 : શૅરબજારમાં આજે અફડાતફડીના માહોલ વચ્ચે મોટો કડાકો નોંધાયો હતો. ગયા શુક્રવારે આઈએલઍન્ડએફએસની અબજો રૂપિયાની નાણાભીડના અહેવાલોએ બજારમાં ગભરાટ ફેલાયો હતો. નાણાપ્રધાન અરુણ જેટલીએ આ બાબતે રાહતનો સૂર ઉચ્ચાર્યો હોવા છતાં બજારમાં મોટા ભાગની એનબીએફસી કંપનીઓમાં 5થી 15 ટકા વધઘટ જોવાઈ હતી. જ્યારે અમેરિકાએ લાદેલ 200 અબજ ડૉલરની ડયૂટી આજથી લાગુ થવા સાથે ઈરાન પરના નવા પ્રતિબંધથી ક્રૂડના ભાવમાં 1.25 ટકાનો સરેરાશ વધારો થયો હતો. ઉપરોક્ત બન્ને વૈશ્વિક કારણોએ સ્થાનિક બજારની એનબીએફસીની સમસ્યારૂપી આગમાં ઘી હોમતાં બજારમાં જાણે ચોમેર વેચો વેચોના નારા બુલંદ થયા હતા. જેથી એનએસઈ ખાતે નિફટી શરૂઆતમાં અગાઉના 11143ના બંધ સામે 11164 ખૂલીને 11170ને ટચ કર્યા પછી ઊંધા માથે પટકાયો હતો. જે એક તબક્કે ઘટીને 11943 કવોટ થઈને ટ્રેડિંગ અંતે 175 પૉઈન્ટના ઘટાડા સાથે 11000નું લેવલ તોડીને નીચે સરકી 10967ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્ષ (બીએસઈ) 537 પૉઈન્ટના જંગી ઘટાડા સાથે 36305 બંધ રહ્યો હતો. કેટલાક અૉટો શૅરોમાં સેંકડા ફરી જતાં કચ્ચરઘાણ સર્જાયો હતો.
આજના ટ્રેડિંગમાં મંદીનો ભરડો એટલો સખત હતો કે નિફટીના મુખ્ય શૅરોમાં કુલ 43 ઘટયા હતા. માત્ર 7 શૅરો જ સુધારે હતા, જેમાં મોટા ભાગે આઈટી ક્ષેત્રના શૅરો અને રિલાયન્સ સુધર્યો હતો. જ્યારે અૉટો, રિયલ્ટી ક્ષેત્રે, ફાઈનાન્સ કંપનીઓ, ફાર્મા અને એનએફબીસી ક્ષેત્રના શૅરોમાં મોટા કડાકા બોલાયા હતા. આઈશર મોટર રૂા. 2087 ઘટયો હતો. મારુતિ રૂા. 247 અને એમઍન્ડએમ રૂા. 63 ઘટયો હતો. જ્યારે રિયલ્ટી ક્ષેત્રે ફાઈનાન્સ કરતી કંપનીઓ અને બૅન્કો એચડીએફસી રૂા. 120, કોટક બૅન્ક રૂા. 31, ઈન્ડસઈન્ડ બૅન્ક રૂા. 88, એચડીએફસી બૅન્ક રૂા. 44 ઘટયા હતા.
રિઝર્વ બૅન્કના અધિકારીએ સુધ્ધાં એનબીએફસી કંપનીઓની રોકડની સ્થિતિ જાળવવા સહાયનો નિર્દેશ કર્યો હતો તે છતાં બજાજ ફિનવર્સનો ભાવ રોજ 3થી 5 ટકા સતત ઘટતો રહ્યો છે. જ્યારે ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ પણ સતત ઘટી રહ્યો છે. આજના કડાકામાં ઔદ્યોગિક અને તેલ-ગૅસ ક્ષેત્રમાં અગ્રણી ગ્રાસીમનો ભાવ રૂા. 31, અલ્ટ્રાટેક રૂા. 94, એશિયન પેઈન્ટસ રૂા. 32, સનફાર્મા રૂા. 11, ટાઈટન ઈન્ડસ્ટ્રીઝ રૂા. 9, તાતા સ્ટીલ રૂા. 17 અને ગેઈલનો ભાવ રૂા. 9 ઘટયો હતો. જોકે, ડીએચએફએલે ડિફોલ્ટ બાબતે સ્પષ્ટતા કરવાથી શૅર 20 ટકા ઊછળી ગયો હતો.
જ્યારે સુધરવામાં આઈટી ક્ષેત્રની અગ્રણી ટીસીએસ રૂા. 95, ઈન્ફોસીસ રૂા. 13, ટેક મહિન્દ્રા રૂા. 13, એચસીએલ ટેક્નૉલૉજી રૂા. 11 અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને કોલ ઈન્ડિયા સટ્ટાકીય લેવાલીએ અનુક્રમે રૂા. 14 અને રૂા. 6 સુધર્યા હતા. જ્યારે નિફટી બૅન્કેકસ 2.6 ટકા ઘટવા સાથે આરબીએલ બૅન્ક અને પીએનબીના ભાવ નોંધપાત્ર ઘટયા હતા. નિફટી અૉટો ઈન્ડેક્સ 3.7 ટકા, જ્યારે બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ અનુક્રમે 2.4 અને 2.7 ટકા ઘટાડે બંધ રહ્યો હતો.
સેબીએ જણાવ્યું છે કે બજારની તીવ્ર વધઘટ પર અમે ચાંપતી નજર રાખી રહ્યા છીએ. આમ છતાં ગભરાટ ઘટતો નથી, એ નોંધપાત્ર ગણાય.
વિદેશી-એશિયન બજારો
અમેરિકાએ ઈરાન અને ચીન પર વધુ નિયંત્રણોની પેરવી ચાલુ રાખી છે. જેથી જેપી મોર્ગને આગાહી કરી છે કે ક્રૂડતેલનું દૈનિક ઉત્પાદન 1.5થી 2 મિલિયન બેરલ ઘટતાં ક્રૂડતેલના ભાવ સતત વધી શકે છે. જ્યારે ચીનની ભીંસ વધવાથી એશિયન બજારો પણ નર્વસ હતાં.
ચીને હવે અમેરિકા સાથે વાટાઘાટનો ઈનકાર કર્યો છે. જેની અસરથી એમએસસીઆઈ બ્રોડેસ્ટ ઈન્ડેક્સ (એશિયા પેસિફિક) 1 ટકા અને હૉંગકૉંગનો હૅંગસૅંગ 1.7 ટકા ઘટયો હતો. 
 

Published on: Tue, 25 Sep 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer