બાર-ડાન્સરની લાઇફસ્ટાઈલથી અંજાઈ ગયેલા તરુણે કરી 50 તોલા સોનાની ચોરી

તેનો ઇરાદો લિંગપરિતર્વન કરાવીને બાર-ડાન્સર બનવાનો હતો
અમારા પ્રતિનિધિ તરફથી
નાગપુર, તા. 24 : લિંગપરિવર્તનનું અૉપરેશન કરાવવા માટે નાગપુરનો એક ટીનેજર ઘરમાંથી 50 તોલા સોનાનાં ઘરેણાં ચોરી ગયો હતો. એ પ્રકરણમાં પોલીસે ચાર જણની ધરપકડ કરીને ટીનેજરને બાલ સુધારગૃહમાં મોકલી
આપ્યો છે.
નાગપુર પોલીસે જણાવ્યું હતું કે આ ટીનેજરની માતા ઘર છોડીને ચાલી ગઈ ત્યાર બાદ તે મામા-મામી સાથે નાગપુરમાં રહેતો હતો. મામી મુંબઈમાં બાર-ડાન્સર હતી. મામીની જીવનશૈલીથી ભાણેજ પ્રભાવિત હતો. બાર-ડાન્સર પ્રત્યેના કુતૂહલ અને તેમની જીવનશૈલીથી ટીનેજર આકર્ષાયો હતો અને લિંગપરિવર્તનનું અૉપરેશન કરાવી મામીની માફક બાર-ડાન્સર બનવાનું તેણે નક્કી કર્યું હતું.
મુંબઈમાં જે રીતે છોકરીઓ ડાન્સબારમાં કામ કરી વૈભવી જીવન જીવે છે એ રીતે તેને પણ પૈસા કમાવવાની ઘેલછા જાગી હતી. દરમિયાન મામી થોડા દિવસ પહેલા મુંબઈથી 50 તોલા સોનાનાં ઘરેણાં ઘરે લાવી હતી એની તેને જાણ હતી. ટીનેજરને એની પણ જાણ હતી કે મામીએ 30 તોલા સોનું ખરીદ્યું હતું અને 20 તોલા સોનાનાં ઘરેણાં મામીની ફ્રેન્ડનાં હતાં. એ 50 તોલા સોનું સુરક્ષિત જગ્યાએ રાખવા માટે મામી લૉકર શોધી રહ્યાં હતાં એની જાણ ટીનેજરને થઈ હતી. 7 અૉગસ્ટે ટીનેજર અચાનક 50 તોલા સોનાનાં ઘરેણાં લઈને ઘરમાંથી નાસી ગયો હતો. સોનું ચોર્યા બાદ તે રિહાના ધનાવત, ઇમરાન શરીફ, ફારુખ શેખ અને પ્રશાંત જંગડે નામની વ્યક્તિ પાસે પહોંચી ગયો હતો. ટીનેજર પાસેથી સોનાનાં ઘરેણાં લઈ તેઓએ ટીનેજરને મુંબઈમાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી અને ટીનેજરને દિલાસો આપ્યો હતો કે સોનું વેચીને અથવા ગિરવી મૂકીને તારું લિંગપરિવર્તનનું અૉપરેશન કરાવી આપીશું. જોકે એ દરમિયાન ટીનેજરના એક મિત્રની સઘન પૂછપરછ બાદ પોલીસે શોધખોળ આદરીને મુંબઈમાંના ભાડાના એક ઘરમાંથી 17 સપ્ટેમ્બરે ટીનેજર સહિત 4 જણને ઝડપી લીધા હતા.
પોલીસે ટીનેજરની પૂછપરછ કરી એ દરમિયાન તે સમલૈંગિક હોવાનું પણ જાણવા મળ્યું હતું. ટીનેજરે એ વખતે પોલીસને જણાવ્યું હતું કે ગમે તે થાય, પણ લિંગપરિતર્વન કરાવીને બાર-ડાન્સર બનવાના મારા નિર્ણયમાં કોઈ ફેરફાર નહીં થાય. મારે કોઈ પણ કાળે બાર-ડાન્સર બનવું જ છે. પોલીસે ત્યાર બાદ ટીનેજરને બાલ સુધારગૃહમાં મોકલી આપ્યો છે જ્યાં તેની માનસિક સારવાર કરવામાં આવશે.

Published on: Tue, 25 Sep 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer