હવે અંડરગ્રાઉન્ડ કચરાપેટીની મુંબઈ મહાપાલિકાની યોજના

પ્રાયોગિક ધોરણે ગિરગાંવ ચોપાટી અને ફૅશન સ્ટ્રીટ સહિત પાંચ સ્થળની પસંદગી
મુંબઈ, તા.24 : મુંબઈ પાલિકાએ હવે દક્ષિણ મુંબઈનાં પાંચ સ્થળોએ પ્રાયોગિક ધોરણે નવા પ્રકારની અંડરગ્રાઉન્ડ કચરાપેટીઓની વ્યવસ્થા વિચારી છે. રૂા. 38 લાખનો ખર્ચ ધરાવતી આ યોજના માટે કૉન્ટ્રેક્ટરો નક્કી કરાયા છે અને હવે આખરી મંજૂરીનો પ્રસ્તાવ સ્થાયી સમિતિ સમક્ષ મુકાયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બૉમ્બે હાઇ કોર્ટની પાછળના ભાગે કે. બી. પાટીલ રોડ, એમ. જી. રોડને સમાંતર આવેલી ફૅશન સ્ટ્રીટ, ગિરગાંવ ચોપાટી, નેપિયન્સી રોડ જંક્શન અને ગ્રાંટ રોડમાં નાના ચોક ખાતે આવી ભૂગર્ભમાં કચરો સંગ્રહી શકાય એવી કચરાપેટીઓ મુકાશે. 
ટ્રાફિક અને રાહદારીઓને અડચણરૂપ ન બને એ રીતે આ કચરાપેટીઓ મુકાશે. ઉપરાંત જે જગ્યાએ ભૂગર્ભમાં કોઇ નાગરિક સુવિધા નથી એવા રોડ આ યોજના માટે પસંદ કરાયા છે. જમીન પરની કચરાપેટીની જેમ ભીનો અને સૂકો કચરો નાખી શકાય એવી વ્યવસ્થા હશે અને નીચે ખાડો તૈયાર કરીને તેમાં બે મોટાં કન્ટેનરો મુકાશે. પેટીની નીચે આ કન્ટેનરો ખાલી થઇ શકે એવી વ્યવસ્થા માટે ખાસ પ્લૅટફૉર્મ તૈયાર થશે. જમીનની નીચેના કન્ટેનરો ભરાઇ ગયાં બાદ તેમાં મુકાયેલા સેન્સરથી ઘન કચરા વ્યવસ્થાપન વિભાગમાં જાણ થશે અને પાલિકાના ડમ્પરો આવીને આ કચરો ઉઠાવી જશે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer