બોરીવલીની સ્કૂલમાં સિક્યૉરિટી ગાર્ડે ગળાફાંસો ખાઈને કરી આત્મહત્યા

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 24 : બોરીવલીની એક સ્કૂલના સિક્યૉરિટી ગાર્ડે શુક્રવારે ચેન્જિંગ રૂમમાં જઈ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.
બાવન વર્ષનો ગણેશ રામબહાદુર બોરીવલીની આઇસી કૉલોનીમાં આવેલી સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં 2004થી સિક્યૉરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો. તેની પત્ની પણ એ જ સ્કૂમાં બસ-અટેન્ડન્ટ તરીકે નોકરી કરે છે. દંપતીને 24 અને 24 વર્ષના બે દીકરા છે. રામબહાદુરે આત્મહત્યા કરતાં પૂર્વે કોઈ સુસાઇડ-નોટ લખી નહોતી, પણ તેણે પત્નીને કહ્યું હતું કે ટૂંક સમયમાં હું અંતિમ પગલું ભરવાનો છું, એવું પોલીસે જણાવ્યું હતું.
શુક્રવારે સવારે 7.30 વાગ્યે રામબહાદુર સ્કૂલમાં ફરજ પર હાજર થયો હતો. ત્યાર બાદ કપડાં બદલવા ચેન્જિંગ રૂમમાં ગયો હતો. સવારે 9 વાગ્યે રામબહાદુરે વિદ્યાર્થીઓ માટે સ્કૂલ-ગેટ ખોલવાનો હોય છે, પણ એ દિવસે ગેટ ન ખૂલતાં વિદ્યાર્થીઓ મેઇન ગેટથી અંદર આવતા દેખાતાં અન્ય સિક્યૉરિટી ગાર્ડ રામબહાદુરે ગેટ શા માટે ન ખોલ્યો એની ઇન્કવાયરી કરવા ગયો હતો. એ સિક્યૉરિટી ગાર્ડે રામબહાદુરને શોધવાના પ્રયત્ન કર્યા એ દરમિયાન તેણે ચેન્જિંગ રૂમમાં પણ તપાસ કરી. ચેન્જિંગ રૂમનો દરવાજો અંદરથી લૉક હતો એટલે તેણે બારણા પરની બારીમાંથી ડોકિયું કરતાં રામબહાદુર સિલિંગ પર ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. ગભરાયેલા ગાર્ડે તરત જ સ્કૂલ-મૅનેજમેન્ટને એની જાણ કરી. ત્યાર બાદ સ્કૂલે એમએચબી પોલીસને જાણ કરતાં પોલીસે દરવાજો તોડી રામબહાદુરને નીચે ઉતારી હૉસ્પિટલ લઈ જતાં ડૉક્ટરોએ તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો.
પોલીસે ઉમેર્યું હતું કે રામબહાદુર માનસિક તાણ તથા હાઇ-બ્લડપ્રેશરથી પીડાતો હતો.

Published on: Tue, 25 Sep 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer