મુંબઈમાં પેટ્રોલનો ભાવ 90 રૂપિયાને આંબી ગયો

ફરી વધારા સાથે દેશભરમાં ઇંધણના ભાવ સર્વકાલીન ઊંચાઇએ
નવી દિલ્હી, તા.24 : દેશની જનતાને ઈંધણના ભાવવધારામાં કોઈ રાહત મળી નથી. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારાનો દોર વણથંભ્યો જારી રહેતાં દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો સર્વાધિક ઉંચી કિંમતે પહોંચી હતી.  આજે પેટ્રોલમાં 11 પૈસા અને ડીઝલમાં પાંચ પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યા બાદ દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઇમાં પેટ્રોલની કિંમત 90 રૂપિયા પ્રતિ લિટરથી ઉપર પહોંચી ગઈ છે. આવી જ રીતે ડીઝલની કિંમત પ્રતિ લિટર 78.58 સુધી પહોંચી ગઇ છે. 
સરકારી માલિકીની તેલ કંપનીઓના જાહેરનામામાં જણાવાયા મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લિટર દીઠ અનુક્રમે અગિયાર પૈસા અને પાંચ પૈસાનો વધારો થયો છે. ઓગસ્ટના મધ્ય ભાગથી આ ઈંધણોના ભાવમાં લિટરે અનુક્રમે રૂા. પ.પ8 પૈસા અને રૂા. પ.3નો વધારો થયો છે.
રાષ્ટ્રીય પાટનગર  દિલ્હીમાં પેટ્રોલની કિંમત વધીને 82.72 સુધી પહોંચી ગઇ છે. જ્યારે ડીઝલની કિંમત 74.02ની સપાટી પર પહોંચી ગઇ છે. કોલકત્તામાં પેટ્રોલની કિંમતમાં 10 પૈસાનો વધારો કરવામાં આવતાં કિંમત વધીને પ્રતિ લિટર 84.44 સુધી પહોંચી ગઇ છે. 23મી સપ્ટેમ્બરના દિવસે એટલે કે ગઇકાલે કિંમત 84.54 રૂપિયા હતી. બંગાળમાં ડીઝલની કિંમત પાંચ પૈસા વધીને 75.82 થઇ ગઇ છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer