ભાજપમાં જોડાવાની અટકળોને અલ્પેશ ઠાકોરનો સ્પષ્ટ રદિયો

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.24: લોકસભાની આગામી ચૂંટણીને અનુલક્ષીને ગુજરાતના રાજકારણમાં અનેકવિધ અટકળો વહેતી થઇ રહી છે. થોડા દિવસથી ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ તેમ જ ઓબીસી નેતા અને રાધનપુરના કૉંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાવવાના છે અને ભાજપમાંથી લોકસભાની ચૂંટણી લડી શકે છે  તેવી ચર્ચાએ જોર પકડયું હતું એટલું જ નહીં ભાજપ અલ્પેશ ઠાકોરને પાટણથી લોકસભાની ટિકિટ આપી શકે છે તેવી વાત પણ વહેતી થઇ હતી, પરંતુ આજે આ વાત ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે નકારી દીધી હતી. અલ્પેશ ઠાકોરે સ્પષ્ટપણે જણાવ્યું કે, હું ભાજપમાં જોડાવવાનો નથી. 
અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, હું રાધનપુરનો ધારાસભ્ય છું અને રહીશ. મારી પહેલી જવાબદારી રાધનપુરની છે. રાષ્ટ્રીય રાજનીતિ કરતા મને મારા ગુજરાતની રાજનીતિ અને સમાજની રાજનીતિ અને મારા ગરીબ ભાઇઓની રાજનીતિમાં વધારે રસ છે  અને મારે હજુ રાધનપુરના લોકો માટે ઘણાં કામ કરવાના છે.  હું હાલ કૉંગ્રેસમાં જ છું.  મને રાષ્ટ્રીય નેતૃત્વના અભરખા નથી પણ મને પાર્ટીએ જવાબદારી આપી છે, તે નિષ્ઠા સાથે નિભાવીશ  તેમણે એમ પણ કહ્યું કે, રાજનીતિના મજબૂત માણસોને અન્ય પક્ષો ખેંચવાનો પ્રયત્ન કરે તે તો પહેલેથી ચાલતું આવ્યું છે પણ હું ભાજપમાં જોડાવવાનો નથી.

Published on: Tue, 25 Sep 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer