હિમાચલ અને કાશ્મીરમાં ભારે વરસાદથી 11નાં મૃત્યુ : પંજાબમાં વરસાદે મચાવી તબાહી, શાળા-કૉલેજમાં રજા જાહેર

ચંડીગઢ, તા. 24 : વિદાય લઈ રહેલા ચોમાસાએ ફરી એક વખત ઉત્તર ભારતમાં તબાહી મચાવી છે. હિમાચલમાં નદીઓમાં ભારે વરસાદના કારણે ઘોડાપુર આવ્યું છે જ્યારે ઘણા સ્થળોએ ભુસ્ખલનની ઘટનાઓ બની છે. બીજી તરફ પંજાબમાં પણ તબાહી સર્જાય છે. ચંડીગઢમાં સુખના નદીનું જોખમી સ્તરેથી ઉપર વહી રહી છે. પંજાબમાં ભારે વરસાદના કારણે સરકારે રેડ એલર્ટ પણ જારી કર્યું છે અને સેનાને પણ તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી.  મુખ્યમંત્રી અમરિંદર સિંહે પ્રદેશના લોકોને 24 કલાક ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં ભારે વરસાદના કારણે 11 લોકોએ જીવ પણ ગુમાવ્યા છે.
ભારે વરસાદની સૌથી અસર હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં જોવા મળી છે. જેમાં અનેક સ્થળોએ ભુસ્ખલનના કારણે વાહનવ્યવહાર ઠપ થયો હતો અને દોહામાં પાંચ લોકોના મૃત્યુ થયા હતા.  બીજી તરફ કથુઆમાં વરસાદ વચ્ચે ફસાયેલા 10 બાળકો અને 6 મહિલા સહિત 29 જેટલા લોકોને રેસ્ક્યૂ કરીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.  ભારે વરસાદના કારણે હિમાચલમાં જનજીવન પ્રભાવિત થયું હતું. તેમજ કુલુમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. કુલુના ડોબીમાં પુરમાં ફસાયેલા 19 લોકોને બચાવવા માટે વાયુદળના હેલિકોપ્ટરે રેસ્ક્યૂ ઓપરેશન કર્યું હતું. 
 આ દરમિયાન ચંડીગઢ-મનાલી સહિતના મુખ્ય માર્ગો પુર અને ભુસ્ખલનના કારણે ઠપ થયા હતા. ભારે વરસાદથી ડેમમાં પાણી આવક વધતાં લારજી, પાનડોહ, સાનન અને ચંબેરા ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી હતી. જેના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. ભારતીય હવામાન વિભાગે સોમવારના પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ચંડીગઢ, દિલ્હી, પશ્ચિમી ઉત્તરપ્રદેશ, પૂર્વી રાજસ્થાન, પશ્ચિમી મધ્યપ્રદેશ, બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, દક્ષિણી કર્ણાટક, તામિલનાડુ અને પુડ્ડુચેરીમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer