મુંબઈમાં ડીજેનો ઉપયોગ ન થયો

પુણેએ હાઈ કોર્ટના અૉર્ડરની કરી અવગણના
મુંબઈ, તા. 24 : ધ્વનિ પ્રદૂષણના વધતાં પ્રમાણને ધ્યાનમાં રાખીને હાઈ કોર્ટે ગણેશ વિસર્જનમાં ડીજે અને ડૉલ્બી પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારે હાઈ કોર્ટના આદેશને અવગણીને પુણેમાં અનેક મંડળોએ વિસર્જનમાં ડીજે અને ડૉલ્બીનો ઉપયોગ કર્યો હતો. તો બીજી બાજુ મુંબઈમાં આ આદેશનું કડક પાલન કરવામાં આવ્યું હતું. ડીજેના નિયમોનું ઉલ્લંઘન કરનારા પુણેના 25 ગણેશોત્સવ મંડળો વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે. જ્યારે મુંબઈમાં અલગ અલગ વિસ્તારમાં ધ્વનિ પ્રદૂષણનું ઉલ્લંઘન કરતા કુલ 202 ગુના દાખલ કરવામાં આવ્યા.
મુંબઈગરાંઓએ હાઈ કોર્ટના આદેશનું કડક પાલન કર્યું હતું અને ડીજે અને ડૉલ્બીના અવાજ વગર પારંપરીક ઢોલ-તાશા સાથે બાપાને વિદાય આપી હતી, પરંતુ સાંસ્કૃતિક રાજધાની પુણેમાં ગણેશ મંડળોએ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યું હતું અને સાંજે સાત વાગ્યાની આસપાસ અનેક મંડળોએ ડીજે વગાડવાનું શરૂ કર્યું હતું. ડીજે વગાડનારા પુણેના 25 મંડળો વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે અને તેમના પર કાર્યવાહી થવાની શક્યતાઓ છે.
વિસર્જન દરમિયાન પુણેમાં પિંપરી ચિંચોડના મંડળમાં ડીજે વગાડનાર કાર્યકર્તાઓને પોલીસે રોકવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે મંડળના કાર્યર્તાઓએ પોલીસની મારપીટ કરી હતી. તેમાં એક પોલીસ લોહીલુહાણ થયો હતો. 

Published on: Tue, 25 Sep 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer