રઘુવંશી મિલ કમ્પાઉન્ડમાં સાત ગેરકાયદે બાંધકામ જમીનદોસ્ત કરવામાં આવ્યાં

મુંબઈ, તા. 24 : મુંબઈ મહાનગરપાલિકાએ આજે સવારે લોઅર પરેલના રઘુવંશી મિલ કમ્પાઉન્ડમાં આવેલાં 7 ગેરકાયદે બાંધકામો તોડી પાડયાં હતાં. આ પ્રક્રિયામાં કુલ 20,000 ચોરસ ફૂટ જેટલું બાંધકામ જમીનદોસ્ત કરવામાં આવ્યું હોવાથી પાલિકા અધિકારીઓએ જણાવ્યા મુજબ કોઈ પણ જાતની મંજૂરી વિના આ બાંધકામ કરવામાં આવ્યાં હતાં.
આ બાંધકામ ગેરકાયદે હોવાથી માલિકોને અગાઉ નોટિસ મોકલવામાં આવી હતી. જોકે સંબંધિત પક્ષકારો કોર્ટમાં ગયા હોવાથી કોઈ કાર્યવાહી કરી શકાઈ નહોતી, પરંતુ સ્ટે હટાવી લેવાયા બાદ તેમના પર ત્રાટકવાનો સુધરાઈએ નિર્ણય લીધો હતો. આ બાંધકામોમાં કૉમર્શિયલ અૉફિસો, રિકલાઇનર્સના શોરૂમા ઉપરાંત કેટલાક ગેરકાયદે શેડ્સનો સમાવેશ હતો.
અત્રે એ યાદ રાખવું ઘટે કે ગયા ડિસેમ્બરમાં કમલા મિલમાં લાગેલી આગમાં 14 જણનાં થયેલાં મૃત્યુ બાદ રઘુવંશી મિલમાં ગેરકાયદે બાંધકામોની તપાસ કરવા એક આંતરિક તપાસ સમિતિ નીમવામાં આવી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer