રાહુલ ગાંધી અને પાકિસ્તાનનો સૂર એકસરખો જ છે : ભાજપ

પાકિસ્તાની નેતાઓ રાહુલનું સમર્થન કરી રહ્યા છે : સંબિત પાત્રા
પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 24 : વિવાદિત રફાલ સોદાને લઈને કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલુ છે ત્યારે આજે કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરવાનો મોકો ભાજપને મળી ગયો હતો. કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીના એક ટ્વીટને ટાંકીને હાલ પાકિસ્તાનના નેતાઓ મોદી સરકાર પર નિશાન સાધી રહ્યા છે.
ભાજપના પ્રવક્તા ડૉ. સંબિત પાત્રાએ આજે સવારે અત્રે પત્રકારો સાથેની વાતચીતમાં એવો આરોપ લગાવ્યો હતો કે, પાકિસ્તાન અને કૉંગ્રેસમાં સમાનતા છે અને આ બન્ને એક જ ભાષા બોલી રહ્યા છે. પાકિસ્તાન રાહુલ ગાંધીને વડા પ્રધાન બનાવીને મોદી સરકારને હટાવવા માગે છે. ડૉ. પાત્રાએ પાકિસ્તાનના ઘણા નેતાઓનાં નિવેદનોને રાહુલ ગાંધીનું સમર્થન કરવાવાળા બતાવ્યા હતા અને જણાવ્યું હતું કે, આ નેતાઓએ રાહુલ ગાંધીના ટ્વીટનું સમર્થન કર્યું છે, જે ભાષા રાહુલ ગાંધી બોલી રહ્યા છે જે ભાષા પાકિસ્તાન બોલી રહ્યું છે. પાકિસ્તાન અને રાહુલ ગાંધીની હતાશા એકસરખી છે. બન્ને મોદીને હટાવવા માગે છે.
પાત્રાએ એવો સવાલ કર્યો હતો કે, શું રાહુલ ગાંધી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હટાવવા માટે આંતરરાષ્ટ્રીય મહાગઠબંધન કરી રહ્યા છે ?
ભાજપના પ્રવકતાએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવ્યો હતો અને સર્જિકલ સ્ટ્રાઈકની મજાક ઉડાવવામાં આવી હતી. રાહુલ ગાંધીનાં આવાં નિવેદનોનો પાકિસ્તાન તેના ફાયદા માટે ઉપયોગ કરે છે. પાકિસ્તાન તરફથી પણ એવા ટ્વીટ આવી રહ્યા છે જે રાહુલ ગાંધીનું સમર્થન કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. જેમાં એમ કહેવામાં આવ્યું છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાહુલ ગાંધીથી ડરી ગયા છે. એવું લાગી રહ્યંy છે કે, રાહુલ ગાંધી માટે પાકિસ્તાનના પ્રધાનો અને નેતાઓ પ્રચાર કરી રહ્યા છે.
કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ ટ્વીટ કરતાં કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અનિલ અંબાણીએ સાથે મળીને ભારતના સંરક્ષણ દળો પર 1.3 લાખ કરોડની સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. મોદીજી તમે શહીદોનાં લોહીનું અપમાન કર્યું છે. તમે ભારતના આત્મા સાથે વિશ્વાસઘાત કર્યો છે. રાહુલ ગાંધીના આ ટ્વીટને પાકિસ્તાનના નેતાઓએ તેમનાં નિવેદનોમાં ટાંક્યાં છે અને પાકિસ્તાનના ભૂતપૂર્વ ગૃહપ્રધાન રહેમાન મલિકે રાહુલ ગાંધીને ભારતના આગામી વડા પ્રધાન બનાવતા ટ્વીટ કર્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાહુલ ગાંધીથી ડરી ગયા છે.     

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer