રફાલ સોદા વિશે સીવીસી એફઆઈઆર નોંધાવે : કૉંગ્રેસ

કૉંગ્રેસના જૂઠાણાનો પર્દાફાશ કરાશે : સંરક્ષણ પ્રધાન
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 24 : રફાલ સોદા પર કૉંગ્રેસ અને ભાજપ વચ્ચેની `શાબ્દિક લડાઈ' અટકવાનું નામ લેતી નથી. એક તરફ માનીતા ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવાનો આરોપ કરીને રફાલ સોદાની તપાસ માટે કૉંગ્રેસના નેતાઓ ચીફ વિજિલન્સ કમિશનર (સીવીસી)ને મળ્યા હતા ત્યારે બીજી તરફ સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણે આજે જણાવ્યું હતું કે, તેઓ કૉંગ્રેસના આવા જુઠ્ઠા પ્રચારને ખુલ્લો પાડવાની લડાઈ માટે શૃંખલાબદ્ધ પત્રકાર પરિષદો યોજશે.
`અમારે આવા જૂઠાણાનો પર્દાફાશ કરવાની લડત ચલાવવી પડશે. અમારામાંના ઘણા નેતાઓ દેશભરમાં રફાલ સોદા વિશે બોલશે. હકીકતો દેશ સમક્ષ રજૂ થવી જોઈએ એમ સંરક્ષણ પ્રધાને કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીને નિશાન પર લેતાં જણાવ્યું હતું કે, તેમના આરોપો `આંતરરાષ્ટ્રીય પરિમાણો' ધરાવે છે અને અમારે તેને ખુલ્લાં પાડવા પડશે.
કમ્પ્ટ્રોલર ઍન્ડ અૉડિટર જનરલ (કૅગ) સાથે બેઠક કર્યાના દિવસો બાદ કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓ આજે સીવીસીને મળ્યા હતા અને તેમણે રફાલ સોદામાં કહેવાતા ભ્રષ્ટાચારની તપાસ કરવા અને ફર્સ્ટ ઈન્ફર્મેશન રિપોર્ટ (એફઆઈઆર) નોંધાવે એવી માગણી કરી હતી. કૉંગ્રેસના નેતાઓનું પ્રતિનિધિમંડળ સીવીસી કે. વી. ચૌધરીને મળ્યું હતું અને એવી માગણી કરી હતી કે, સરકારે તેની સામે આ સોદાની સંપૂર્ણ માહિતી, કૉન્ટ્રેક્ટરનો પ્રકાર અને વિમાનની કિંમતની માહિતી આપવી જોઈએ.
સીવીસીને સુપરત કરેલા આવેદનપત્રમાં કૉંગ્રેસે એવો આરોપ કર્યો હતો કે સરકારે દેશની તિજોરીને નુકસાન પહોંચાડયું છે અને આ કૉન્ટ્રેક્ટ માટે કેટલાક વેપારી મિત્રોની તરફદારી કરવા હિન્દુસ્તાન ઍરોનોટિકલ લિમિટેડ (એચએએલ)ને બાજુ પર મૂકીને રાષ્ટ્રીય સુરક્ષા સામે ખતરો ઊભો કર્યો છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer