લાલબાગચા રાજાના વિસર્જન વખતે દુર્ઘટના થતાં થતાં રહી ગઈ

લાલબાગચા રાજાના વિસર્જન વખતે દુર્ઘટના થતાં થતાં રહી ગઈ
હોડી ઊંધી વળી, પાંચ ગણેશભક્તોને બચાવી લેવામાં આવ્યા
મુંબઈ, તા. 24 : ઉત્સુકતા, ધામધૂમ, જલસા, ઢોલના ધુબાકા, ગુલાલના ઉછાળા, જયઘોષના ના નાદ અને ભાવુક હૃદય સાથે 20 કલાકની શોભાયાત્રા બાદ મુંબઈની શાન ગણાતા લાલબાગના રાજાનું રવિવારે વિસર્જન થયું હતું. રવિવારે સવારે 12 વાગે આરતી કર્યા બાદ લાલબાગચા રાજાની વિસર્જન યાત્રા શરૂ થઈ હતી અને આજે સવારે સાડા છ વાગ્યાની આસપાસ ગિરગાંવ પહોચી હતી અને સાડા આઠ વાગ્યાની આસપાસ વિસર્જન થયું હતું. બાપાને વિદાય આપતા સહુના આંખમાં હર્ષના આંસુ અને હોઠ પર `પુઢચ્યા વર્ષી લવકર યા' નો જયઘોષ હતો. 
ગિરગાંવ ચોપાટી પર બાપાના અંતિમ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં જનમેદની એકઠી થઈ હતી. લાલબાગના રાજાના વિસર્જન માટે ગિરગાંવ ચોપાટી પર બાપાને અલવિદા કહેવા દર વર્ષની જેમ અનેક ભક્તો આવ્યા હતા અને હોડીમાં બેસીને સમુદ્રમાં ગયા હતા. ત્યારે ભક્તોથી ભરચક એ હોડી અચાનક ઊલટી થઈ ગઈ હતી. ઘટનાસ્થળે ઉપસ્થિત અગ્નિશમન દળના જવાનોએ તાત્કાલિક હોડીની દિશામાં આગેકૂચ કરી હતી અને સમુદ્રમાં ડૂબી રહેલા પાંચ જણને બચાવી લીધા હતા. ગંભીર રીતે જખમી થયેલા પાચે ભક્તોને સારવાર માટે તાત્કાલિક નાયર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ હોડી કઈ રીતે ઊલટી થઈ તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. 
રાજાના વિસર્જન માટે લિફ્ટ જેવો વિશિષ્ટ `તરાપો' બનાવવામાં આવ્યો હતો. કોળી બંધુઓએ તરાપો પાણીમાં ખેચીને રાજાનું વિસર્જન કર્યું હતું. ત્યારે લાલબાગચા રાજા પર હૅલિકૉપ્ટરમાંથી પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી અને છેલ્લી આરતી પણ કરી હતી. 
 
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer