તેજીના ઝંઝાવાતમાં સેન્સેક્ષ 347 પૉઇન્ટ ઊછળ્યો

તેજીના ઝંઝાવાતમાં સેન્સેક્ષ 347 પૉઇન્ટ ઊછળ્યો
એલઆઇસીએ આઇએલ ઍન્ડ એફએસનો હાથ પકડવાની ખાતરી આપતાં
બૅન્ક, ફાર્મા, અૉટો અને એફએમસીજીમાં લેવાલી
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 25 : પાંચ દિવસના ઘટાડાના લાંબા દોર પછી મંગળવારે શૅરબજારે રાહતનો દમ લીધો હતો. બૅન્ક, ફાઇનૅન્શિયલ, ફાર્મા, અૉટો અને એફએમસીજી ક્ષેત્રની અગ્રણી કંપનીઓમાં તેજીને પગલે સૂચકાંકો વધીને બંધ નોંધાયા હતા. આ વર્ષના સૌથી ખરાબ ઘટાડાના દોરમાંથી બહાર નીકળતાં શૅરબજારમાં બપોર પછીના સત્રમાં તેજીનો મૂડ છવાયો હતો. આ મૂડ-ચેન્જનું મુખ્ય કારણ એલઆઇસીની જાહેરાત હતી. પોતે આઇએલ ઍન્ડ એફએસને તૂટી પડવા નહીં દે એવી કૉમેન્ટ કંપનીમાં 25 ટકા હિસ્સો ધરાવતી એલઆઇસીએ કરી હતી. એણે તમામ વિકલ્પો ખુલ્લા હોવાનું જણાવતાં બજારને તૂટતું બચાવવા આઇએલ ઍન્ડ એફએસને બચાવવાની ખાતરી આપી હતી.
આને પગલે મોટા ભાગનાં ક્ષેત્રોમાં ઘટાડે લેવાલી નીકળતાં શૅરબજાર ઊંચકાયું હતું. દિવસનાં કામકાજ દરમિયાન સેન્સેક્ષ 400 પૉઇન્ટ વધીને 36,705ની દૈનિક ટોચે જોવા મળ્યો હતો. દિવસના અંતે સેન્સેક્ષ 347 પૉઇન્ટ વધીને 36,652 તેમ જ નિફ્ટી 100 પૉઇન્ટ વધીને 11,067ની સપાટીએ બંધ નોંધાયો હતો. સેન્સેક્ષના 20 શૅર્સ, જ્યારે નિફ્ટીના 35 શૅર્સ વધીને બંધ નોંધાયા હતા.
બીએસઈમાં મિડકૅપ શૅરોમાં પણ તેજી જોવા મળી હતી. મિડકૅપ ઇન્ડેક્ષ 0.36 ટકા વધ્યો હતો, પરંતુ સ્મૉલકૅપ ઇન્ડેક્સમાં 0.74 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
સેન્સેક્ષને કોની દોરવણી?
એચડીએફસીના બન્ને શૅર્સ, કોટક મહિન્દ્ર બૅન્ક, ઇન્ફોસિસ, ઍક્સિસ બૅન્ક અને હિન્દુસ્તાન યુનિલીવરે સેન્સેક્ષની તેજીમાં મહત્ત્વનો ફાળો આપ્યો. ટીસીએસ, પાવરગ્રિડ, યસ બૅન્ક, કોલ ઇન્ડિયા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નૉન-પર્ફોર્મર રહ્યા. ઍક્સિસ બૅન્ક (2.96 ટકા), એચડીએફસી (2.95 ટકા) અને કોટક મહિન્દ્ર બૅન્ક (2.88 ટકા) વધ્યા હતા.
આઇએલ ઍન્ડ એફએસ ગ્રુપના શૅર્સમાં પ્રાણ ફૂંકાયો
એલઆઇસીની જાહેરાત પછી આઇએલ ઍન્ડ એફએસ ગ્રુપના શૅરમાં પ્રાણ ફૂંકાયો હતો. આઇએલ ઍન્ડ એફએસ એન્જિનિયારિંગ ઍન્ડ કન્સ્ટ્રક્શન કંપનીના શૅર 12.02 ટકા વધ્યા હતા, જ્યારે આઇએલ ઍન્ડ એફએસ ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક્સના શૅર્સમાં 5.74 ટકા ઊંચે બંધ નોંધાયા હતા. આઇએલ ઍન્ડ એફએસ ઇન્વેસ્ટમેન્ટ મૅનેજર્સ નજીવા ઘટાડે ફ્લૅટ બંધ નોંધાયો હતો.
એનબીએફસી શૅર્સમાં મિશ્ર વલણ
જીસીએમ કૅપિટલ ઍડ્વાઇઝર્સ 19.23 ટકા, વેઇઝમાન ફોરેક્સ 9.44 ટકા, મોનાર્ક નેટવર્ક 6.98 ટકા અને વૉલસ્ટ્રીટ ફાઇનૅન્સ 6.43 ટકા વધ્યા હતા. જોકે, દીવાન હાઉસિંગ ફાઇનૅન્સમાં 23.49 ટકાનો કડાકો બોલાયો હતો. આમ્રપાલી કૅપિટલ 20 ટકા, સ્ટેલાર કૅપિટલ 20 ટકા, એસકેપી સિક્યૉરિટીઝ 14.20 ટકા અને આઇએફસીઆઇ 11.27 ટકા ઘટયા હતા.
સુગર શૅર્સમાં તેજી
સુગર શૅર્સ 20 ટકાનો ઉછાળો દર્શાવતા હતા. સરકાર વર્ષ 2018-'19 માટે 50 લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી આપશે એવા અહેવાલોને પગલે સુગર શૅર્સમાં ખુશીનો માહોલ ફેલાયો હતો. કેસીપી સુગર 19.95 ટકા, થિરુ અરુરન સુગર્સ 19.92 ટકા, અવધ સુદર 9.99 ટકા, રાજશ્રી સુગર્સ 9.98 ટકા, બજાજ હિન્દુસ્તાન સુગર 9.90 ટકા, સિંભાવલી સુગર્સ 9.87, ઉત્તમ સુગર 9.81 ટકા તેમ જ ધામપુર સુગર 9.72 ટકા વધ્યા હતા.
385 શૅર્સમાં બાવન સપ્તાહનું તળિયું
એનએસઈમાં આઇશર મોટર્સ, ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ, વોડાફોન આઇડિયા, જેટ ઍરવેઝ (ઇન્ડિયા) અને ઇન્ટરગ્લોબ એવિયેશન (ઇન્ડિગો) સહિત 385 શૅર્સમાં બાવન સપ્તાહનું તળિયું જોવા મળ્યું હતું. 

Published on: Wed, 26 Sep 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer