ફ્રોઝન વટાણા, કઠોળ, ફ્લાવર અને પાલક માટેનાં અલાયદાં ધારાધોરણ ટૂંક સમયમાં અમલી બનશે

ફ્રોઝન વટાણા, કઠોળ, ફ્લાવર અને પાલક માટેનાં અલાયદાં ધારાધોરણ ટૂંક સમયમાં અમલી બનશે
નવી દિલ્હી, તા. 25 : થીજવેલા (ફ્રોઝન) વટાણા, કઠોળ, ફ્લાવર અને પાલકનું વેચાણ કરતી કંપનીઓ માટે શાકભાજીનું પેકિંગ કરે તે પૂર્વે સ્વચ્છતા, રંગની જાળવણી અને સુગંધને અનુસરતા નવા નિયમો ટૂંક સમયમાં અમલી બનશે.
ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ અૉથોરિટી અૉફ ઇન્ડિયા (એફએસએસએઆઈ), ફ્રોઝન શાકભાજીની ચાર શ્રેઁણી માટે અલાયદા માપદંડ ઘડી રહી છે. આ વિશે હિતધારકોનાં મંતવ્યો જાણવાં તેણે સૂચિત શાકભાજીઓ માટે નિયમનનો મુસદ્દો રજૂ કર્યો છે. આ માપદંડો, ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ (ફૂડ પ્રોડકટ્સ સ્ટાન્ડર્ડસ ઍન્ડ ફૂડ એડિટિબ્ઝ) એમેન્ડમેન્ટ રેગ્યુલેશન્સ 2018ના ભાગ રૂપે હશે.
તાજેતરમાં ઉષ્ણતાથી પ્રોસેસ્ડ કરેલાં શાકભાજી રેડી-ટુ-ઇટ શાકભાજી, ડબામાં પેક કરાયેલા ટામેટાં અને ફ્રોઝન શાકભાજી માટે નિયમનો છે. શહેરી વપરાશકારોની વધતી માગને લીધે ફ્રોઝન શાકભાજીનું સેગમેન્ટ બે આંકડાની મજબૂત ચાલે વૃદ્ધિ પામી રહ્યું છે.
પ્રસ્તાવિત નિયમનોએ નજરે દેખાતી ખામીઓ જેવી કે ડાઘ અને કચાશ કેટલી હદે ચલાવી લેવાય તે બાબતે પણ સૂચન કરાયું છે.
વધુમાં, પ્રસ્તાવિત મુસદ્દામાં, ફ્રોઝન શાકભાજી આખેઆખા, કાપેલાં, સ્લાઇસ અથવા સમારેલાં પેક કરાયાં છે. તેના ઉપર તેના લેબલિંગનો આધાર રહેશે.
ઉ.દા. તરીકે, ફ્રોઝન પાલકમાં તે આખી ભાજી છે, કાપેલી છે, સમારેલી છે અથવા તેની પ્યુરી છે તેની લેબલ પર જાણ કરવાની રહેશે.
ઘણી કંપનીઓ ફ્રોઝન શાકભાજીના ક્ષેત્રમાં પ્રવેશવાનું વિચારી રહી છે. એવા સમયે નિયમનોને આખરી સ્વરૂપ અપાઈ રહ્યું છે. આ ક્ષેત્રમાં મધર ડેરી મુખ્ય ખેલાડી છે જ્યારે પતંજલિએ તાજેતરમાં જ ફ્રોઝન વટાણા, સ્વીટ કોર્ન (મકાઈ) અને મિકસ્ડ શાકભાજીને પૅકેજમાં રજૂ કર્યાં છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer