યસ બૅન્કે રાણા કપૂર માટે એક્સ્ટેન્શન માગ્યું

યસ બૅન્કે રાણા કપૂર માટે એક્સ્ટેન્શન માગ્યું
અનુગામીની શોધ માટે સમિતિ રચાશે
મુંબઈ, તા. 25 : યસ બૅન્કના ડિરેક્ટરોએ આજે તેના સીઈઓ રાણા કપૂરની મુદ્દત સપ્ટેમ્બર 2019 સુધી લંબાવવાની માગણી કરી હતી અને તેમના અનુગામીની શોધ માટે પાંચ સભ્યોની સમિતિની રચના કરી હતી.
રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયાએ થોડા દિવસો અગાઉ રાણા કપૂરની મુદ્દત ટૂંકાવીને 31 જાન્યુઆરી 2019 સુધીની કરવાની જાહેરાત કરી હતી.
સ્ટોક એક્સ્ચેન્જ મોકલેલી અખબારી યાદીમાં યસ બૅન્કે કહ્યું છે કે સીઈઓની શોધ અને પસંદગી માટેની સમિતિમાં બૅન્કની નોમિનેશન ઍન્ડ રેમ્યુનરેશન કમિટીના ત્રણ અને બહારના બે સભ્યો હશે. જોકે આ સભ્યો કોણ હશે તે વિશે બૅન્કે સ્પષ્ટતા કરી નથી.
દરમિયાન બૅન્કના બોર્ડે રિઝર્વ બૅન્કને રાણા કપૂરને સપ્ટેમ્બર 2019 સુધી હોદ્દા પર ચાલુ રહેવા દેવાની વિનંતી કરી છે જેથી બૅન્કના નાણાકીય વર્ષ 2018-19 માટેના ઓડિટ થયેલા હિસાબો તૈયાર કરી શકાય અને વાર્ષિક સામાન્ય સભાની પ્રક્રિયા આટોપી શકાય.
યસ બૅન્કના પ્રોમોટર શ્રીમતી મધુ કપૂરે બૅન્કના બોર્ડને લખી જણાવ્યું હતું કે બૅન્કના સીઈઓ રાણા કપૂરને તેમની તા. 31 જાન્યુઆરી 2019ના પૂરી થતી મુદત સુધી રજા પર ઉતારી દેવા જોઈએ. જો રાણા કપૂર તેમની અૉફિસમાં ચાલુ રહેશે તો તે નવા સીઈઓની પસંદગીમાં દખલ કરશે. 

Published on: Wed, 26 Sep 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer