સાવધાન : પ્લૅટફૉર્મ ટિકિટ નહીં ખરીદી તો દંડ હજારો રૂપિયામાં લાગી શકે છે!

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 25 : રેલવેમાં તમારા સગાંવહાલાંને ટ્રેનમાં વિદાય આપવા જાવ કે તેને લેવા જાવ ત્યારે 10 રૂપિયાની પ્લૅટફૉર્મ ટિકિટ અચૂક કઢાવજો. જો ટિકિટ કઢાવવાનું ભૂલી જાવ કે ઈરાદાપૂર્વક નહીં કઢાવશો તો તે તમને ઘણું મોંઘું પડી શકે છે. તમને કદાચ એવું હશે કે જો પકડાઈશું તો 250 રૂપિયાનો દંડ ભરી દઈશું, પરંતુ એવું નથી. તમને એ દંડ હજારો રૂપિયામાં પડી શકે છે.
હકીકતમાં પ્લૅટફૉર્મ ટિકિટ અંગે રેલવેના કેટલાક નિયમ છે. જેનાથી લોકો અજાણ છે. નિયમ પ્રમાણે માત્ર બહારગામની અધિકૃત ટિકિટ ધરાવતા પ્રવાસી જ પ્લૅટફૉર્મ પર જઈ શકે છે. તેને મૂકવા આવતા સગાંસંબંધી કે મિત્રોએ 10 રૂપિયાની પ્લૅટફૉર્મ ટિકિટ ફરજિયાત ખરીદવી પડે અને તે ખરીદ્યાના બે કલાક સુધી માન્ય ગણાય.
હવે જો તમે જાણીજોઈને કે ભૂલથી પ્લૅટફૉર્મ ટિકિટ ખરીદવાનું ભૂલી ગયા અને ટિકિટચેકર દ્વારા પકડાઈ ગયા તો 250 રૂપિયાનો દંડ તો ભરવો જ પડશે. વધુમાં એ પ્લૅટફૉર્મ પર જે છેલ્લી ટ્રેન આવી હશે અને તે જ્યાંથી પ્રથમ રવાના થઈ હશે ત્યાંનું બમણું ભાડું દંડ તરીકે ભરવું પડશે.
ઉદાહરણરૂપે જો તમે વિના પ્લૅટફૉર્મ ટિકિટ નવી દિલ્હીના એ પ્લૅટફૉર્મ પર પકડાયા જ્યાં ગુવાહાતી-નવી દિલ્હી રાજધાની એક્સ્પ્રેસ આવે છે, તો તમને ગુવાહાતીથી નવી દિલ્હી વચ્ચેનું રાજધાની એક્સ્પ્રેસનું બમણું ભાડું ચૂકવવું પડશે. ગુવાહાતીથી નવી દિલ્હીનું રાજધાનીનું ભાડું 2780 રૂપિયા છે તો તમને 5560 રૂપિયા દંડ ચૂકવવો પડશે.
એવી જ રીતે તમે મુંબઈ સેન્ટ્રલના મેલ-એક્સ્પ્રેસ ટ્રેનના પ્લૅટફૉર્મ પર વગર ટિકિટે પકડાઈ ગયા અને ત્યાં છેલ્લી ટ્રેન અમદાવાદની ગુજરાત મેલ આવી હોય તો અમદાવાદથી મુંબઈ સુધીનું ગુજરાત મેલનું બમણું ભાડું ચૂકવવું પડશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer