નીરવ મોદીનો અલીબાગનો બંગલો તોડી પાડવાની કાર્યવાહી નોકરશાહીમાં અટવાઈ

મુંબઈ, તા. 25 : ભાગેડુ બિઝનેસમૅન નીરવ મોદીની માલિકીનો અલીબાગ ખાતેનો આલિશાન બંગલો તોડી પાડવાનું કામ નોકરશાહીમાં અટવાઈ ગયું છે. રાયગઢના કલેકટરે અૉગસ્ટમાં કોર્ટમાં નોંધાવેલી એફિડેવિટમાં જણાવ્યું છે કે 2011માં એ વખતના કલેકટરે આ બંગલોને નિયમિત કર્યો હતો. આથી તેને તોડી પાડવાનો પ્રશ્ન જ નથી.
અન્ય એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે મોદીના બંગલોને નિયમિત કરવાના અગાઉના નિર્ણયની સમીક્ષા કરવામાં આવી રહી છે. કોંકણના ડિવિઝનલ કમિશનર આ નિર્ણય અંગે ફેરવિચારણા કરશે. એ બાદ રાયગઢના કલેકટર બંગલો તોડી પાડવા વિશે આખરી સુનાવણી હાથ ધરશે.
ગત અૉગસ્ટમાં રાજ્યના પર્યાવરણ પ્રધાન રામદાસ કદમે બંગલો તત્કાળ તોડી પાડવાનો નિર્ણય લીધો હતો, પરંતુ હજી સુધી કોઈ પગલાં લેવાયાં નથી.
કોર્ટમાં સુપરત કરાયેલા એફિડેવિટમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે નીરવનો બંગલો 1986 પહેલાં બાંધવામાં આવ્યો હતો અને તેમાં કોઈ વધારાનું બાંધકામ કરવામાં આવ્યું નહોતું. આથી તેની સામે પગલાં લેવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer